લોકસભા ચૂંટણીના પરિણામો પછી નવી સરકારની રચના થઇ ગઇ છે. ભાજપના નેતૃત્ત્વમાં NDAના નેતાઓએ મંત્રી પદના શપથ પણ લઇ લીધા છે. હવે લોકસભાનું પ્રથમ સેશન 18 કે 19 જૂનથી શરૂ થઇ શકે છે. પ્રથમ સત્રની શરૂઆત નવા ચૂંટાયેલા સાંસદોના શપથ ગ્રહણ સાથે શરૂ થશે. ત્યાર પછી સાંસદો તરફથી લોકસભા અધ્યક્ષની ચૂંટણી કરવામાં આવશે.
સંસદનું પ્રથમ સત્ર 18થી 20 જૂન ત્રણ દિવસ સુધી ચાલશે. સૌથી પહેલા રાષ્ટ્રપતિ પ્રોટેમ સ્પીકરને શપથ લેવડાવશે. પ્રોટેમ સ્પીકર તે બાદ તમામ 543 સાંસદ સભ્યોને શપથ લેવડાવશે. 20 જૂને જ લોકસભાના અધ્યક્ષની ચૂંટણી યોજાઇ શકે છે. 21 જૂને રાષ્ટ્રપતિનું બન્ને સદનોને સંયુક્ત અભિભાષણ યોજાઇ શકે છે.
ઉલ્લેખનીય છે કે નરેન્દ્ર મોદીએ રવિવારે રાષ્ટ્રપતિ ભવનમાં ત્રીજી વખત વડાપ્રધાન પદના શપથ લીધા હતા. એમની સાથે 71 સભ્યના મંત્રી મંડળના સભ્યોએ પણ શપથ લીધા હતા. વડાપ્રધાનના નેતૃત્ત્વમાં નવી કેબિનેટમાં 30 મંત્રી, 5 સ્વતંત્ર પ્રભાર ધરાવતા રાજ્ય મંત્રી અને 36 રાજ્ય મંત્રી સહિત કૂલ 71 સાંસદોને મંત્રી પદના શપથ લેવડાવવામાં આવ્યા છે.
નોંધનીય છે કે મોદીના કેબિનેટમાં ગુજરાતના 6, મહારાષ્ટ્રના 6, ઉત્તર પ્રદેશના 9, ઓરિસ્સાના 3, બિહારના 8, કર્ણાટકના 5, મધ્ય પ્રદેશના 4, જમ્મુ કાશ્મીર અને અરૂણાચલ પ્રદેશના 1-1, રાજસ્થાનના 4, હરિયાણાના 3 સાંસદોને તક મળી છે. હવે પીએમ મોદી આગળની રણનીતિ નક્કી કરશે.