કોરોનાના સંક્રમિતોની સંખ્યા છ લાખને પાર

નવી દિલ્હીઃ દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યામાં નિરંતર વધારો થઈ રહ્યો છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 19,148 નવા કેસ સામે આવ્યા છે અને 434 લોકોનાં મોત થયાં છે. દેશમાં સતત આઠમા દિવસે કોવિડ-19ના 15,000થી વધુ નવા કેસ સામે આવી રહ્યા છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 6,094,641 લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 17,834 લોકોનાં મોત થયાં છે. જોકે આ ખતરનાક બીમારીને 3,59,859 લોકો માત આપી ચૂક્યા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 2,26,947એ પહોંચી છે. રિકવરી રેટ 59.51 ટકાએ પહોંચ્યો છે.

 

છ દિવસમાં એક લાખ અને 20 દિવસમાં ત્રણ લાખ કોરોનાના કેસ

દેશમાં 12 જૂને કુલ કોરોનાના દર્દીઓની સંખ્યા ત્રણ લાખને પાર થઈ હતી અને આશરે 9000 લોકોનાં મોત થયાં હતાં. માત્ર નવ દિવસમાં એટલે કે 20 જૂને કોરોનાના દર્દીઓની સંખ્યા ચાર લાખને પાર થઈ હતી અને આશરે 13,000 લોકોનાં મોત થયાં હતાં. છ દિવસ પઠી 20 જૂને દર્દીઓની સંખ્યા પાંચ લાખને પાર થઈ હતી અને આશરે 16,000 લોકોનાં મોત થયાં હતાં. આ ઉપરાંત 20 દિવસમાં કોરોનાના ત્રણ લાખ કેસ નોંધાયા હતા.

અમેરિકામાં 24 કલાકમાં કોરોનાના 52,000 નવા કેસ

અમેરિકામાં કોરોના વાઇરસે બધા રેકોર્ડ તોડી નાખ્યા છે. પાછલા 24 કલાકમાં કોરોનાના 52,000 નવા કેસ નોંધાયા છે. આ એક દિવસમાં સંક્રમિત દર્દીઓની સૌથી વધુ સંખ્યા છે. અમેરિકામાં કોરાનાથી સંક્રમિત લોકોની સંખ્યા વધીને 26 લાખને પાર થઈ ગઈ છે.

વિશ્વમાં કોરોનાથી 1.08 કરોડથી વધુ લોકો કોરોના સંક્રમિત

વિશ્વમાં કોરોના વાઇરસથી અત્યાર સુધી 5,18,921 લોકોનાં મોત થયાં છે અને અત્યાર સુધી કોરોના સંક્રમિતોની સંખ્યા 10,802,849એ પહોંચી છે.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.