કોરોનાના સંક્રમિતોની સંખ્યા 4.25 લાખને પાર

નવી દિલ્હીઃ દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યામાં દિન-પ્રતિદિન વધારો થઈ રહ્યો છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 14,821 નવા કેસ સામે આવ્યા છે અને 445 લોકોનાં મોત થયાં છે. જોકે પાછલા 24 કલાકમાં 9440 લોકો આ બીમારીમાંથી ઠીક થયા છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 4,25,282 લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 13,699 લોકોનાં મોત થયાં છે. જોકે આ ખતરનાક બીમારીને 2,37,196 લોકો માત આપી ચૂક્યા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 1,74,387એ પહોંચી છે. રિકવરી રેટ 55 ટકાને પાર થયો છે.

દરમ્યાન ઉત્તર પ્રદેશના કાનપુર જિલ્લાના શેલ્ટર હોમમાં 57 યુવતીઓનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવતાં હડકંપ મચી ગયો છે. વળી, આ યુવતીઓમાંથી પાંચ યુવતીઓ ગર્ભવતી હોવાનું પણ સામે આવ્યું છે, એમ સત્તાવાર રીતે જણાવવામાં આવ્યું છે.

મહારાષ્ટ્રમાં કોરોનાના 3870 નવા કેસ

મહારાષ્ટ્રમાં કોરોનાના પાછલા 24 કલાકમાં 3870 નવા કેસ સામે આવ્યા છે. રાજ્યમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 1,32,075 થઈ ગઈ છે, જેમાંથી 6170 લોકોનાં મોત થયાં છે.

વિશ્વમાં કોરોનાથી 90 લાખથી વધુ લોકો કોરોના સંક્રમિત

વિશ્વમાં કોરોના વાઇરસથી અત્યાર સુધી 4,70,698 લોકોનાં મોત થયાં છે અને અત્યાર સુધી કોરોના સંક્રમિતોની સંખ્યા 90,45,457એ પહોંચી છે.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.