કોરોના સંક્રમિતોની સંખ્યા અઢી લાખને પાર

નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાઇરસનો પ્રકોપ ઝડપથી વધી રહ્યો છે. દેશમાં કોરોના વાઇરસના સંક્રમિતોની સંખ્યા 2.50 લાખને પાર થઈ ગઈ છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 2,56,611એ પહોંચી ગઈ છે, જેમાંથી 1,25,381 કેસ સક્રિય છે. અત્યાર સુધી 1,24,095 લોકોએ આ બીમારીને માત આપી છે. દેશમાં અત્યાર સુધી કોરોનાથી મોતનો આંકડો 7135એ પહોંચ્યો છે. પાછલા 24 કલાકમાં આ વાઇરસના નવા કેસો 9983 નોંધાયા છે અને 206 લોકોનાં મોત થયાં છે. દેશમાં સતત ચોથા દિવસે કોરોના સંક્રમણના 9000થી વધુ કેસ સામે આવ્યા છે. રિકવરી રેટ 48.35 ટકાએ પહોંચ્યો છે.

કેસ વધવાને મામલે વિશ્વમાં ભારત ત્રીજા નંબરે

ભારત કોરોનાના કેસ વધવાની ઝડપમાં વિશ્વમાં ત્રીજા ક્રમાંકે છે. ગઈ કાલે બ્રાઝિલમાં 18,375 અને અમેરિકામાં 18,905 કેસ સામે આવ્યા છે, જ્યારે રશિયામાં 8984 કેસ સામે આવ્યા છે. આનો અર્થ એ થયો કે નવા કેસમાં વધારાને મામલે ભારત હવે વિશ્વમાં ત્રીજા ક્રમાંકે છે.

કોરોના વાઇરસનો મૃત્યુદર

રાજ્યોના મૃત્યુદરની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 3,57 ટકા, ગુજરાતમાં 6.22 ટકા, દિલ્હીમાં 2.75 ટકા, મધ્ય પ્રદેશમાં 4.32 ટકા, પશ્ચિમ બંગાળમાં 4.94 ટકા, ઉત્તર પ્રદેશમાં 2.64 ટકા અને રાજસ્થાનમાં 2.23 ટકા છે. દેશમાં આ સંક્રમણને કારણે મૃત્યુ દર 2.80 ટકા છે.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.