કશ્મીરમાં સેનાનો સપાટોઃ 24 કલાકમાં 9 આતંકીઓ ઠાર

શ્રીનગરઃ કશ્મીરમાં દેશની સેનાને મોટી સફળતા મળી છે. શોપિયાં જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં 9 આતંકીઓને ઠાર મારવામાં આવ્યા છે. શોપિયાંના પિંજોરામાં ચાલી રહેલું એન્કાઉન્ટર ખતમ થઈ ગયું છે. આજે 4 આતંકવાદીઓ માર્યા ગયા છે. આ ચારેય આતંકીઓ હિઝબુલ મુજાહિદ્દીનના છે. એમની પાસેથી મોટી માત્રામાં વિસ્ફોટકો જપ્ત કરવામાં આવ્યા છે. દક્ષિણી કાશ્મીરના શોપિયાં જિલ્લાના રેબન વિસ્તારમાં ગઈકાલે 5 આતંકીઓને ખતમ કરવામાં આવ્યા હતા. એટલે કે છેલ્લા 24 કલાકમાં હિઝબુલના 9 આતંકીઓને ઠાર કરવામાં આવ્યા છે. પોલીસે કહ્યું કે, શોપિયાં જિલ્લાના દક્ષિણ કશ્મીરના પિંજુરા ગામમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે ગઈકાલે રાતથી જ શરુ થયેલા એન્કાઉન્ટરમાં ચાર આતંકીઓને ઠાર કરવામાં આવ્યા છે. ત્રણ જવાનો ઘાયલ થયા છે, જો કે તેમને મોટી ઈજા નથી પહોંચી પરંતુ સામાન્ય ઈજા પહોંચી છે.

પોલીસ ડીજીપીએ કહ્યું કે, આજે સવારે આર્મી અને સીઆરપીએફ યૂનિટ સાથે શરુ કરવામાં આવેલા ઓપરેશનમાં તમામ ચાર આતંકીઓને ઠાર કરવામાં આવ્યા છે. આ હિઝબુલ મુજાહિદ્દીન સાથે જોડાયેલા આતંકીઓ હતા અને આ પૈકી બે હાઈ રેંક અને આતંકી સંગઠનના જૂના સભ્યો હતા. છેલ્લા 24 કલાકમાં હિઝબુલના 9 આતંકીઓને સુરક્ષા દળો દ્વારા ઠાર કરવામાં આવ્યા છે.