અમદાવાદઃ દેશમાં કોરોના વાઇરસના કેસ દિન-પ્રતિદિન વધી રહ્યા છે. આ કોરોના વાઇરસના ઝડપથી પ્રસરી રહ્યો છે અને જીવલેણ છે, માટે વડા પ્રધાન મોદીએ ગઈ કાલે દેશવાસીઓને સંબોધન કર્યું હતું અને સચેત રહેવા આહ્વાન કર્યું હતું. કોરોના વાઇરસ જે રીતે દેશનાં રાજ્યોમાં પ્રસરી રહ્યો છે, એને જોતાં વડા પ્રધાન રાજ્યોના મુખ્ય પ્રધાનો કે રાજ્યોના આરોગ્ય પ્રધાનો સાથે વિડિયો કોન્ફરન્સ કરવાના છે.કોરોના વાઇરસના સૌથી વધુ કેસ મહારાષ્ટ્રમાં સામે આવ્યા છે. જેથી મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ મહારાષ્ટ્રનાં પાંચ શહેરોમાં બધી ખાનગી દુકાનો, ઓફિસો પણ આજે રાતથી 31 માર્ચ સુધી બંધ રાખવા નિર્દેશ કર્યો છે. દેશમાં કોરોના કેસની સંખ્યા 242 થઈ છે.
વડા પ્રધાન મોદીએ દેશને ગઈ કાલે સંબોધતાં ભારતીયોને અપીલ કરી હતી કે આગામી થોડા સપ્તાહ ઘરમાં જ રહો અને શક્ય હોય તો ઘરેથી જ કામ કરો. આ સાથે અનેક રાજ્યો કોરોનાને લઈને સાવચેતીનાં પગલાં ભરી રહ્યા છે. જે નીચે મુજબ છે.
દેશમાં કોરોના કેસ વધીને 242 થયા હતા, જેમાં 20 દર્દીઓ સાજા થયા
- કોરોના વાઇરસથી મૃત્યુ પામેલા લોકોની સંખ્યા પાંચ થઈ હતી.
- મહારાષ્ટ્રમાં કોરોના કેસ વધીને 52 થયા
- કેરળમાં કોરોનાના નવા 12 દર્દી સાથે કુલ 40 કેસ
- ગુજરાતમાં કોરોનાના કેસ વધીને સાત થયા
- દિલ્હીમાં કોરોના 16 કેસ નોંધાયા
- ઉત્તર પ્રદેશમાં કોરોનાના કુલ 22 કેસ નોંધાયા
- રાજસ્થાનમાં કોરોનાના કુલ 15 કેસ નોંધાયા
- મહારાષ્ટ્ર જરૂરી સેવા છોડીને બધી સેવાઓ બંધ
- મુંબઈ, પુણે, પિંપરી, ચિંચવડ અને નાગપુરમાં બધી દુકાનો-ઓફિસો બંધ
- દિલ્હીમાં ત્રણ દિવસ 21થી 23 સુધી બધાં બજાર બંધ રહેશે
- ઉત્તરાખંડમાં પર્યચકોના આવવા પર પ્રતિબંધ
- દિલ્હીમાં પણ તમામ મોલ બંધ
- લખનૌમાં તમામ ઓફિસો બંધ
- ઉત્તર પ્રદેશમાં બધા શોપિંગ મોલ બંધ કરાવાયા
આમ દેશનાં રાજ્યો કોરાના વાઇરસને લઈને ખૂબ જ તકેદારીનાં પગલાં લઈ રહ્યાં છે.
મહેરબાની કરીને તમામ વાચકો વાત સમજી લો કે આ મજાકનો સમય નથી. તમારે શિસ્ત જાળવવાની જ છે. સવાર સાંજ વોક લેવાનું બંધ કરો, ઘરમાં રહો અને બાળકોને બહાર ના મોકલો. આ સમય ક્રિકેટ રમવાનો નથી કે પાર્કમાં ગપ્પાં મારવાનો નથી.