ભાજપ 25 માર્ચ સુધીમાં એમપીમાં સરકાર બનાવવાનો દાવો કરી શકે છે

નવી દિલ્હીઃ મધ્યપ્રદેશમાં શુક્રવારે કમલનાથે ફ્લોર ટેસ્ટ થતા પહેલા જ રાજીનામું આપી દીધું હતું. હવે સમાચારો સામે આવી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટી 25 માર્ચ સુધીમાં સરકાર બનાવવાનો દાવો કરી શકે છે. 23 માર્ચના રોજ ભાજપના ધારાસભ્ય દળની બેઠક થઈ શકે છે. તો મધ્યપ્રદેશમાં ત્રણવાર મુખ્યમંત્રી રહી ચૂકેલા શિવરાજ સિંહ ચૌહાણ એકવાર ફરીથી મુખ્યમંત્રીની રેસમાં સૌથી આગળ છે. મુખ્યમંત્રી પદ માટે નરેન્દ્ર સિંહ તોમર, નરોત્તમ મિશ્રા અને થાવર ચંદ ગહેલોતના નામો પર ચર્ચા ચાલી રહી છે. પૂર્વ કેન્દ્રીય મંત્રી સત્યનારાયણ જટિયાએ જણાવ્યું કે પાર્ટી પાસે યોજના છે. આશા છે કે કોઈ મુશ્કેલી નહી થાય. ભાજપ પાસે અનુભવી નેતૃત્વ છે. પરંપરાના આધાર પર નેતૃત્વની પસંદગી થશે. ધારાસભ્ય દળ નવા મુખ્યમંત્રીની પસંદગી કરશે, આ પ્રક્રિયા કેન્દ્રીય નેતૃત્વના માર્ગદર્શનમાં થશે. કર્ણાટકમાં પણ આવું જ થયું છે. પરંતુ શિવરાજને પાર્ટીની અંદર સાયલન્ટ ચેલેન્જીસ પણ મળી રહી છે. નરોત્તમ મિશ્રાથી લઈને નરેન્દ્ર સિંહ તોમર સુધીના નામો ચર્ચામાં છે. પરંતુ કોઈ સ્પષ્ટ રીતે કશું જ કહી રહ્યા નથી.

કમલનાથના રાજીનામા બાદ થોડા જ સમયમાં પત્રકારોએ જ્યારે કૃષિ અને ગ્રામીણ વિકાસ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરને પૂછ્યું કે તેઓ ભોપાલ જવા માટે તૈયાર છે તો તેમણે આ વાતનો કોઈ જવાબ ન આપ્યો. જ્યારે તોમરને પૂછવામાં આવ્યું કે તેઓ કેન્દ્રની રાજનીતિમાં રહેશે કે પછી રાજ્યની રાજનીતિમાં આવવા માટે તૈયાર છે? આ મામલે તેમણે કહ્યું કે પાર્ટીની બેઠક થવા દો પછી જોઈશું કે શું થાય છે.

કમલનાથ સરકાર ગયા બાદ ભઆજપ કેન્દ્રીય નેતૃત્વ સામે પડકાર બધાની સહમતીથી મુખ્યમંત્રી પસંદ કરીને રાજ્યમાં એક સ્થિર સરકાર પસંદ કરવાની હશે. સાથે જ આ તમામ ધારાસભ્યોને પણ સંતુષ્ટ કરવા પડશે કે જેઓ કોંગ્રેસ છોડીને ભાજપ સાથે આવ્યા છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]