મોદી સરકાર જૂના ટેલિકોમ કાયદાઓમાં ધરમૂળથી ફેરફાર કરશે

નવી દિલ્હીઃ કેન્દ્ર ટેલિકોમ્યુનિકેશન ક્ષેત્રમાં ધરમૂળથી ફેરફાર કરશે, જે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ડિજિટલ મહત્ત્વાકાંક્ષા પણ છે. ટેલિકોમ ક્ષેત્રે કંપનીઓ સરળતાથી વિલીનીકરણ, વિસ્તરણ માટે સરકારી મંજૂરી-ખાસ કરીને વિવિધ વિભાગોની મંજૂરી લેવા  ના પડે અને કોર્ટ કેસોમાં પણ સમય વ્યતીત ના થાય એના માટેના રસ્તા સરકાર શોધી રહી છે.  જેથી સંદેશવ્યવહારપ્રધાન અશ્વિની વૈષ્ણવે ફેબ્રુઆરીમાં આ ક્ષેત્ર માટે નવા નિયમો રજૂ કરવાનું લક્ષ્ય રાખ્યું છે.  

ટેલિકોમ ક્ષેત્રે હજી પણ જરીપુરાણા 1885માં ઘડવામાં આવેલા કાયદાઓથી નિયંત્રિત થઈ રહ્યું છે. આ ઉપરાંત આ ક્ષેત્ર 60-70 વર્ષ જૂના કાયદાઓથી નિયંત્રિત થઈ રહ્યું છે, એમ તેમણે કહ્યું હતું. તેમણે ભારતીય ટેલિગ્રાફ કાયદાનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે એ સરકારને આ ક્ષેત્રે કાયદાઓને ધરમૂળથી ફેરફાર કરવાના વિશેષ અધિકાર આપે છે. અમે આ ક્ષેત્રે ધરખમ ફેરફારો કરવા માગીએ છીએ.

વર્ષ 2016માં મુકેશ અંબાણીની રિલાયન્સ જિયો ઇન્ફોકોમ લિ.ના પ્રવેશની સાથે ભાવયુદ્ધ છેડાયું હતું. ત્યારે એ વખતે આ ક્ષેત્રના જૂના ખેલાડીઓએ કંપની સામે કોર્ટમાં કેસો કર્યા હતા, કેમ કે સરકારે સ્પેક્ટ્રમના ઉપયોગ માટે બેકફીસનો દાવો કર્યો હતો.

સરકારે ટેરિફ માટે એક ફ્લોર રેટ નક્કી નહીં કરે અને એ બાબત કંપનીઓએ ગ્રાહકોની સમજને આધારે નક્કી કરવા માટે મોકળું મેદાન આપશે. ભારતનું લક્ષ્ય ઓક્ટોબર-ડિસેમ્બર 2022માં 5Gની સર્વિસ શરૂ કરવાનું લક્ષ્ય છે.