ભારતીય હવાઈ દળ આજે ઊજવી રહ્યું છે એનો 86મો સ્થાપનાદિવસ

નવી દિલ્હી – ભારતીય હવાઈ દળનો આજે 86મો સ્થાપનાદિવસ છે. હવાઈ દળની સ્થાપના 1932માં કરવામાં આવી હતી. બ્રિટિશ રાજ વખતે એનું નામ રોયલ ઈન્ડિયન એરફોર્સ હતું. 1950માં બદલીને તે ઈન્ડિયન એરફોર્સ કરાયું હતું.

હવાઈ દળને આજે સવારે જ અભિનંદન આપનાર પ્રથમ લોકોમાં સંરક્ષણ પ્રધાન નિર્મલા સીતારામનનો સમાવેશ થાય છે. એમણે ટ્વીટ કરીને ભારતીય હવાઈ દળના જવાનોના શૌર્યને બિરદાવ્યું છે.

httpss://twitter.com/nsitharaman/status/1049124038893658113

છેલ્લા આઠ દાયકામાં, ભારતીય હવાઈ દળે ટેક્નોલોજીની દ્રષ્ટિએ ખૂબ જ પ્રગતિ સાધી છે અને દેશની સલામતી પરના કોઈ પણ જોખમને ખાળવા માટેની વધુ ને વધુ શક્તિ હાંસલ કરી છે.

આજે ‘એરફોર્સ ડે’ નિમિત્તે ગાઝિયાબાદસ્થિત હિંડન એરફોર્સ સ્ટેશન ખાતે ખાસ પરેડ યોજવામાં આવી છે. તેનું નિરીક્ષણ હવાઈ દળના વડા એર ચીફ માર્શલ બી.એસ. ધનોઆએ કર્યું હતું.

દેશની હવાઈ સીમાનું રક્ષણ કરનાર ભારતીય હવાઈ દળને, આપણા બહાદુર જવાનોને સ્થાપનાદિન પ્રસંગના અભિનંદન, હાર્દિક શુભેચ્છા અને સલામ. ભારતીય હવાઈ દળ દેશની શાન છે અને સૈનિકોની વીરતા પર દેશવાસીઓને ગર્વ છે.