રાફેલ પર સુપ્રીમ કોર્ટમાં નવી અરજી, કિંમત સાર્વજનિક કરવા માગ

નવી દિલ્હી- બહુચર્ચિત રાફેલ ફાઈટર જેટ સોદાનો વિવાદ હજી પુરી રીતે શાંત નથી થઈ રહ્યો. ફરી એકવાર આ મામલે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. આજે દાખલ કરવામાં આવેલી અરજી પર સર્વોચ્ચ અદાલત આજે જ સુનાવણી કરશે.એક વકીલ દ્વારા કરવામાં આવેલી અરજીમાં માગ કરવામાં આવી છે કે, ફ્રાન્સ અને ભારત વચ્ચે આખરે કેવા પ્રકારની ડીલ કરવામાં આવી છે તેને સાર્વજનિક કરવી જોઈએ. આ સિવાય અરજીમાં માગ કરવામાં આવી છે કે, રાફેલ ફાઈટર જેટની વાસ્તવિક કિંમત પણ બધાને જણાવવામાં આવે.

આપને જણાવી દઈએ કે, આ પહેલા પણ એક અરજી દાખલ કરવામાં આવી હતી. જેના પર 10 ઓક્ટોબરે સુનાવણી કરવામાં આવશે. ગત સુનાવણી અરજીકર્તાની તબિયત નાદુરસ્ત હોવાને કારણે ટાળવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ રાહુલ ગાંધીની અધ્યક્ષતામાં વિરોધ પક્ષો વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રાફેલ ડીલ મુદ્દે ઘેરવા સતત પ્રયાસ કરી રહ્યાં છે. રાફેલ મુદ્દે વડાપ્રધાનના મૌનને લઈને રાહુલ ગાંધી સતત સવાલો ઉઠાવતા રહ્યાં છે.