રૂ. છ લાખનું ભરણપોષણ માગતી પત્નીને હાઇકોર્ટની ફટકાર

બેંગલુરુઃ કર્ણાટકની હાઇકોર્ટનાં એક મહિલા જજે એક મહિલાને ભૂતપૂર્વ પતિ પાસેથી રૂ. છ લાખનું પ્રતિ મહિને ભરણપોષણની માગને એ કહીને ફગાવી દીધી હતી કે જો તે આટલા ખર્ચ કરવા ઇચ્છતી હોય તો તે જાતે કમાણી શરૂ કરે. આ સુનાવણીનો વિડિયો વાઇરલ થયો છે.

સોશિયલ મિડિયા પર કર્ણાટક હાઇકોર્ટની કાર્યવાહીનો એક વિડિયો વાઇરલ થઈ રહ્યો છે. આ મહિલાની દલીલ એટલી વિચિત્ર હતી કે મહિલા જજે અરજીકર્તાના વકીલને આકરી ફટકાર લગાવી હતી. મહિલાએ ભરણપોષણ માટે પતિ પાસેથી પ્રતિ મહિને રૂ. 6.16 લાખની માગ કરી હતી. પત્નીની આ માગ પર હાઇકોર્ટનાં જજે તેને ખુદ કમાવાની સલાહ આપી હતી.

મહિલાના વકીલે કોર્ટને જણાવ્યું હતું કે પત્નીને જૂતાં, કપડાં, બંગડો વગેરે માટે પ્રતિ મહિને રૂ. 15,000ની જરૂર છે. એ સાથે ઘરમાં ખાદ્યખોરાકી માટે પ્રતિ મહિને 60,000ની જરૂર છે. આ સિવાય તેને ઘૂંટણના દર્દ માટે અને ફિઝિયોથેરેપી તથા અન્ય દવાઓ માટે તેને રૂ. 4-5 લાખની જરૂર છે.

આ કેસની સુનાવણી કરતાં જજે આકરી ટિપ્પણી કરતાં કહ્યું હતું કે એ કોર્ટની પ્રક્રિયાનું શોષણ છે. જજે કહ્યું હતું કે આટલી મોટી રકમ ભલા કઈ મહિલા મહિને ખર્ચ કરે છે? શું તમે એ નિયમોનો ખોટો લાભ નથી ઉઠાવી રહ્યાં? તમારી પર પરિવારની કોઈ જવાબદારી નથી, તમારે બાળકોની દેખરેખ કરવાની જરૂર નથી. આ ભરણપોષણની રકમ તમારે તમારા પોતાના માટે જોઈએ છે. જજે મહિલાના વકીલને ઉચિત રકમની ભરણપોષણની માગ કરવા માટે નિર્દેશ આપતાં તેની અરજી ફગાવી દેવાની વાત કહી હતી.

શું છે કેસ?

30 સપ્ટેમ્બર, 2023એ ફેમિલી કોર્ટ- બેંગલુરુએ એક મહિલાના પતિ એમ નરસિંહાને રૂ. 50,000 માસિક ભરણપોષણ આપવાની મંજૂરી આપી હતી. આ અરજી પર જજના વલણની સોશિયલ મિડિયા પર પ્રશંસા કરવામાં આવી હતી. આ વિડિયોને 20 લાખથી વધુ વાર જોવામાં આવ્યો છે.