નવી દિલ્હીઃ વિશ્વ પ્રસિદ્ધ કેદારનાથ મંદિરનાં દ્વાર 17 મેએ સવારે પાંચ કલાકે ખૂલશે અને શ્રદ્ધાળુઓની સંખ્યા પર કોઈ નિયંત્રણ રાખવામાં નથી આવ્યું, એમ ચારધામ દેવસ્થાનમ મેનેજમેન્ટ બોર્ડના CEO રવિનાથ રમણે કહ્યું હતું. ઉખીમઠના ઓમકારેશ્વર મંદિરમાં જ્યેતિષની દ્રષ્ટિકોણથી શુભ મુહૂર્ત અનુરૂપ શિવરાત્રિ નિમિત્તે પોર્ટલ ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
આ વર્ષે યાત્રાળુઓનો સારોએવો ધસારો થાય એવી અમે અપેક્ષા રાખી રહ્યા છીએ. ગયા વર્ષે કોરોનાને કારણે શ્રદ્ધાળુઓ પર નિયંત્રણો રાખવામાં આવ્યાં હતાં, પણ આ વર્ષે અમે યાત્રાળુઓની સંખ્યા પર કોઈ નિયંત્રણો મૂકતાં નથી. જોકે કોરોનાને રોકવા માટે સામાન્ય સાવચેતી બધા શ્રદ્ધાળુઓએ રાખવી પડશે, એમ તેમણે કહ્યું હતું. વર્ષ 2020માં કેદારનાથ મંદિરનાં પોર્ટલ્સ 29 એપ્રિલે ખોલવામાં આવ્યાં હતાં અને દેશની કોરોના રોગચાળા સામેની લડાઈમાં મદદ માટે વડા પ્રધાન મોદી વતી પ્રાર્થના કરવામાં આવી હતી. જોકે આ વર્ષે અધિકારીઓ અને પૂજારીઓ શ્રદ્ધાળુ નોંધપાત્ર સંખ્યામાં ઊમટે એવી અપેક્ષા છે.
ગયા વર્ષે ચાર ધામ યાત્રામાં કુલ 3.1 લાખ શ્રદ્ધાળુઓ આવ્યા હતા, જેમાંથી 1.3 લાખ યાત્રાળુઓ કેદારનાથ મંદિરની યાત્રાએ આવ્યા હતા, એમ ચારધામ દેવસ્થાનમ મેનેજમેન્ટ બોર્ડના અધિકારીઓએ જણાવ્યું હતું. જોકે રાજ્ય સરકાર દ્વારા ગયા વર્ષે પહેલી જુલાઈએ ચારધામનાં દ્વાર યાત્રાળુઓ માટે ખોલવામાં આવ્યાં હતાં. પરંપરાગત ચારધામની યાત્રા યમુનોત્રીથી શરૂ થાય છે. એ પછી ગંગોત્રી, કેદારનાથ અને બદરીનાથમાં પૂરી થાય છે.