ઓમિક્રોનના નવા વેરિયેન્ટ BA.2થી ચોથી લહેર આવશે?

નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાઇરસના નવા કેસ ભલે ક્રમશઃ ઘટી રહ્યા હોય, પણ એનું જોખમ હજી ઘટ્યું નથી. ઓમિક્રોનના નવા સબ વેરિયેન્ટ BA.2ને કારણે હજી ટેન્શન બનેલું છે. કેટલાક દેશોમાં એના કેસ ઝડપથી વધવા શરૂ થઈ ગયા છે. કોરોનાનો નવો વેરિયેન્ટ ઝડપથી તો પ્રસરે જ છે, પણ એ ગંભીર બીમારીનું કારણ પણ બને છે, એમ એક અભ્યાસ કહે છે.

જોકે નવા અભ્યાસ મુજબ કોરોનાના નવા વેરિયેન્ટ BA.2થી ઇમ્યુનિટી સંભવ છે, જો BA.2થી સંક્રમણ થઈ ચૂક્યું હોય. દેશમાં કોવિડની ચોથી લહેર વિશે લોકોએ ચિંતા કરવાનું શરૂ કરી દીધું છે. IIT કાનપુરના પ્રોફેસર રાજેશ રંજને કહ્યું હતું કે દેશ અથવા વિશ્વ સ્તરે ચોથી લહેર એકસાથે આવવાની અપેક્ષા નથી. નવી લહેરમાં વાઇરસ ક્ષેત્રવાર સક્રિય થઈ શકે. એ ઓમિક્રોનથી પણ નબળો હશે. વળી, એ પહેલી અને બીજી લહેર જેવી સ્થિતિ નહીં હોય.

નેચરમાં છપાયેલા લેખમાં કહેવામાં આવ્યું છે કે જો ઓમિક્રોન સૌથી વધુ પ્રસરેલા સબ-વેરિયેન્ટ BA.1થી સંક્રમણ થયું તો BA.2થી રક્ષણ મળે છે. રસીકરણથી પણ BA.2ની સામે ઇમ્યુનિટી મળે છે. કેલિફોર્નિયામાં થયેલો અભ્યાસનાં પરિણામ દર્શાવે છે કે BA.2થી એ જગ્યા પર સંક્રમણની લહેર નહીં જોવા મળે, જ્યાં BA.1ની લહેર આવી ચૂકી હોય. જોકે છેલ્લાં કેટલાંક સપ્તાહોથી BA.1ના સબ-વેરિયેન્ટ BA.2ના કેસો પણ ઝડપથી વધવા લાગ્યા છે. WHOએ પણ કહ્યું હતું કે મે-જૂન સુધી વાઇરસની પેટર્ન પર નજર રાખવી પડશે.