દહેરાદૂનઃ ચમોલીમાં સ્થિત ભગવાન બદરીનાથ મંદિરનાં દ્વાર મંગળવારે સવારે સવા ચાર કલાકે બ્રહ્મ મુહૂર્તમાં ખોલવામાં આવ્યાં હતાં. કોવિડના નિયમોનું પાલન કરતાં સાદગીથી દ્વાર ખોલવાનો કાર્યક્રમ સંપન્ન થયો હતો. આ દરમ્યાન સીમિત સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. જોકે શ્રદ્ધાળુઓને આવવાની મંજૂરી હજી નથી આપવામાં આવી. મંદિરને ખૂબ સરસ રીતે શણગારવામાં આવ્યું હતું. આ પહેલાં 14 મેએ યમુનોત્રીનાં દ્વાર અને 15 મેએ ગંગોત્રીનાં દ્વાર ખોલવા દરમ્યાન આ જ વ્યવસ્થા લાગુ કરવામાં આવી હતી.
ઉત્તરાખંડના ગઢવાલ હિમાલયમાં ચારધામના નાથી મશહૂર બદરીનાથ, કેદારનાથ, ગંગોત્રી અને યમુનોત્રીનાં દ્વાર દર છ મહિને શિયાળા પછી એપ્રિલ-મેમાં ખોલવામાં આવે છે. ચારધામની યાત્રા માટે ઉત્તરાખંડના મુખ્ય પ્રધાન રાવતે ગયા મહિને કહ્યું હતું કે ધામોનાં દ્વાર નિયત સમયે ખૂલશે, પણ માત્ર તીર્થ પુરોહિત જ નિયમિત પૂજા કરી શકશે.
ઉત્તરાખંડના મુખ્યમંત્રી તીરથ સિંહ રાવતે કહી આ વાત
ઉત્તરાખંડન મુખ્ય પ્રધાન તીરથ સિંહ રાવતે કહ્યું હતું કે ભગવાન વિષ્ણુના આઠમા વૈકુંઠ બદરીનાથ ધામના દ્વાર આજે બ્રહ્મ મુહૂર્તમાં વિધિ-વિધાન અને ધાર્મિક અનુષ્ઠાન બાદ કપાટ ખોલવામાં આવ્યાં છે. જનતાના સ્વાસ્થ્યની સુરક્ષા રાજ્ય સરકારની પ્રાથમિકતા છે. હું ભગવાન બદરનાથને પ્રદેશવાસીઓના સારા આરોગ્યની કામના કરું છું. તેની સાથે જ તેમણે કહ્યું હતું કે કોરોના રોગચાળાને કારણે અસ્થાયી રીતે ચારધામ યાત્રા સ્થગિત છે. મારો અનુરોધ છે કે ભગવાનનાં વર્ચ્યુઅલ દર્શન કરો અને પોતાનાં ઘરોમાં જ પૂજા-અર્ચના અને ધાર્મિક પરંપરાઓનનું નિર્વહન કરો. શ્રી બદરીનાથ ધામનાં દ્વાર ખૂલવાની આપ સૌને હાર્દિક શુભકામનાઓ.