36 શહેરોમાં રાત્રિ-કરફ્યુ, નિયંત્રણો વધુ ત્રણ-દિવસ લંબાવાયાં  

અમદાવાદઃ રાજ્યની આઠ મહાનગરપાલિકા સહિત કુલ 36 શહેરોમાં લગાવવામાં આવેલો રાત્રિ કરફ્યુ, તેમ જ કેટલાંક નિયંત્રણો 21  મે સવારના 6 વાગ્યા સુધી લંબાવવાની મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ કરી છે. રાજ્યમાં કોરોનાની સ્થિતિને કાબૂમાં લેવા માટે સરકારે 36 શહેરોમાં રાત્રિના 8 વાગ્યાથી બીજા દિવસના સવારના 6 વાગ્યા સુધી રાત્ર કરફ્યુ લાદ્યો હતો.

રાજ્યમાં હાલ ‘તાઉ’તે’ વાવાઝોડાની સ્થિતિને લઈને વહીવટી તંત્ર બચાવ અને રાહત કામગીરીમાં વ્યસ્ત હોવાથી રાત્રિ-કરફ્યુ અને નિયંત્રણોની સમીક્ષા બે દિવસ બાદ કરવામાં આવશે તેમ જણાવીને મુખ્ય પ્રધાન રૂપાણીએ કહ્યું હતું કે કોરોનાના કેસમાં ઘટાડો થયો જરૂર થયો છે પણ એની સમીક્ષા કરવી જરૂરી છે.

અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગર, ગાંધીનગર, જૂનાગઢ, આંણદ, નડીયાદ, મહેસાણા, મોરબી, પાટણ, ગોધરા, દાહોદ, ભૂજ, ગાંધીધામ, ભરુચ, સુરેન્દ્રનગર, અમરેલી, હિંમતનગર, પાલનપુર, નવસારી, વલસાડ, પોરબંદર, બોટાદ, વિરમગામ, છોટાઉદેપુર અને વેરાવળ-સોમનાથ, ડીસા, અંકલેશ્વર, વાપી, મોડાસા, રાધનપુર અને કડી તથા વીસનગરમાં રાત્રીના આઠ વાગ્યાથી બીજા દિવસે સવારના 6 વાગ્યા સુધી કરફ્યુ રહેશે. સાથોસાથ કેટલાક નિયંત્રણો પણ રહેશે.

રાજ્યમાં અનાજ, કરિયાણાની દુકાન, શાકભાજી, ફળ-ફળાદિ, મેડિકલ સ્ટોર, મિલ્ક પાર્લર, બેકરી, ખાદ્યપદાર્થોની દુકાનો તથા ચશ્માની દુકાનોને 36 શહેરોમાં લાગુ પાડેલાં નિયંત્રણોમાં ચાલુ રાખવા દેવાશે. રાજ્યનાં 36 શહેરોમાં તમામ ઉદ્યોગો, ઉત્પાદન એકમો, કારખાનાઓ અને બાંધકામ પ્રવૃત્તિઓ, અગાઉની માફક યથાવત ચાલુ રાખી શકાશે.

તેમણે એવી પણ જાહેરાત કરી હતી કે રાજયમાં કોરોના સંક્રમણ ઘટાડવા માટે સરકારી, અર્ધ સરકારી, બોર્ડ તથા તમામ પ્રકારની ખાનગી ઓફિસોમાં કર્મચારીઓની હાજરીની સંખ્યા 50 ટકા સુધી જ રાખી શકાશે.

 

 

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]