નવી દિલ્હીઃ કોરોનાની બીજી લહેરમાં દેશમાં કહેર વરસાવનાર ડેલ્ટા વેરિયેન્ટ હવે વધુ ખતરના ડેલ્ટા+માં બદલાઈ ગયો છે. વૈજ્ઞાનિકોને આશંકા છે કે કોરોના દર્દીઓને આપવામાં આવતી મોનોક્લોનલ એન્ટિબોડીઝ કોકટેલના આ વેરિયન્ટ પર અસર ન કરે એવી શક્યતા છે. મોનોક્લોન એન્ટિબોડીઝ કોકટેલને દેશમાં મેના પ્રારંભમાં ઇમર્જન્સી ઉપયોગની મંજૂરી મળી હતી.
બ્રિટનની આરોગ્ય સંસ્થા પબ્લિક હેલ્થ ઇંગ્લેન્ડ (PHE) મુજબ ડેલ્ટા વેરિયન્ટના 63 જિનોમ K417N મ્યુટેશનની સાથે સામે આવ્યા છે. PHEના જણાવ્યા મુજબ ડેલ્ટા વેરિયેન્ટમાં ફેરફારોની રૂટિન તપાસ દરમ્યાન ડેલ્ટા+ માલૂમ પડ્યા હતા. કોવિડ વેરિયેન્ટ્સ પર PHEના તાજા અહેવાલ મુતબ ભારતમાં સાત જૂન સુધી ડેલ્ટા+ વેરિયેન્ટના છ કેસ સામે આવ્યા છે.
દિલ્હીની ઇન્સ્ટિટ્યૂટ ઓફ જિનોમિક્સ એન્ડ ઇન્ટિગ્રેટિવ બાયોલોજીના ડો. વિનોદ સ્કેરિયાનું કહેવું છે કે K417N મ્યુટેશનને લઈને મુખ્ય ચિંતા એ છે કે એના એન્ટિબોડીઝ કોકટેલની સામે રેઝિસ્ટન્ટ હોવાના પુરાવા મળ્યા છે. તેમનું એ પણ કહેવું છે કે ભારતમાં K417N મ્યુટેશનની ફ્રીકવન્સી બહુ વધુ નથી.
મોનોક્લોનલ એન્ટિબોડીઝ કોકટેલ કેસિરિવિમિબ અને ઇમ્ડેવિમૈબથી બની છે. એને ફાર્મા કંપની સિપ્લા અને રોશ ઇન્ડિયાએ મળીને બનાવી છે. ભારતમાં એને કોરોનાની સારવારના ઇમર્જન્સી ઉપયોગ માટે મેમાં મંજૂરી મળી હતી.