રામ મંદિર માટેના જમીન-સોદામાં સપાની CBI તપાસની માગ

અયોધ્યાઃ રામ જન્મભૂમિ ટ્રસ્ટ પર રામ મંદિર માટે જમીન ખરીદવામાં મોટો ભ્રષ્ટાચારનો આરોપ લાગ્યો છે. જેને લઈને ઉત્તર પ્રદેશના રાજકારણમાં ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. ટ્રસ્ટ પર એ આરોપ આપ પાર્ટીના સંસદસભ્ય સંજય સિંહ અને ભૂતપૂર્વ રાજ્યપ્રધાન પવન પાંડેએ લગાવ્યો છે. પવન પાંડેને યુપીના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અખિલેશ યાદવની નજીકના માનવામાં આવે છે. સપા નેતાનો આરોપ છે કે 10 મિનિટ પહેલાં રૂ. બે કરોડમાં જમીનનો કોન્ટ્રેક્ટ થયો અને એ જ દિવસે ફરી રૂ. 18.5 કરોડમાં એગ્રીમેન્ટ થયો. એગ્રીમેન્ટ અને કોન્ટ્રેક્ટ-બંનેમાં ટ્રસ્ટી અનિલ મિશ્રા અને અયોધ્યા નગર નિગમના મેયર ઋષિકેશ ઉપાધ્યાય સાક્ષી છે. તેમણે સવાલ કર્યો હતો કે જે જમીન રૂ. બે કરોડમાં ખરીદવામાં આવી, એ જ જમીન 10 મિનિટનો રૂ. 18.5 કરોડમાં એગ્રીમેન્ટમાં કેમ થયો? જમીનની કિંમત કેવી રીતે વધી ગઈ?

સપાના પવન પાંડેએ કહ્યું હતું કે સીબીઆઇ તપાસની માગ મેં પહેલાં પણ કરી છે અને હાલ પણ કરી રહ્યો છું. કેન્દ્રએ ટ્રસ્ટ બનાવ્યું છે અને મામલાની સીબીઆઇ તપાસ કરાવી લે. ખાલી આ જમીનની વાત હું નથી કરી રહ્યો, ટ્રસ્ટે અયોધ્યામાં જેટલી જમીન ખરીદી છે, એની તપાસ થવી જોઈએ. બધા પુરાવાની તપાસ થવી જોઈએ અને જે દોષી છે, તેમના પર કાર્યવાહી થવી જોઈએ. આ તો 120 કરોડ લોકોની આસ્થાનો સવાલ છે અને લોકોની આસ્થાને ઠેસ પહોંચી છે.

ભ્રષ્ટાચારના આરોપ પર રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે કહ્યું હતું કે જે જમીન ખરીદીને લઈને આરોપ લાગ્યા છે, એ જમીન માટે 18 માર્ચ, 2021એ કોન્ટ્રેક્ટ કરવામાં આવ્યો હતો અને એ પછી ટ્રસ્ટની સાથે એગ્રીમેન્ટ કરવામાં આવ્યો છે.

બીજી બાજુ, કેબિનેટ બેઠક પછી રાજ્યના ડેપ્યુટી મુખ્ય પ્રધાન દિનેશ શર્માએ જમીન ખરીદમાં ભ્રષ્ટાચારના આરોપોને નિરાધાર ગણાવ્યા છે.