‘કોરોનિલ’ દવા મામલે આયુષ મંત્રાલયે સ્પષ્ટતા માગી, પતંજલિએ આપી

નવી દિલ્હીઃ કોરોના વાઇરસની ઈલાજ શોધવા માટે વિશ્વના તમામ વૈજ્ઞાનિકો અને ડોક્ટર્સ સંશોધનમાં લાગી પડ્યા છે, ત્યારે યોગગુરુ બાબા રામદેવે કોરોનાની અસરકારક દવા ‘કોરોનિલ’ બનાવ્યાનો દાવો કર્યો છે અને એમણે સ્થાપેલી પતંજલિ કંપનીએ ગઈ કાલે આ દવાને દેશમાં લોન્ચ પણ કરી દીધી હતી. જોકે હવે કેન્દ્રીય આયુષ મંત્રાલય ઊંઘમાંથી સફાળું જાગ્યું છે અને એણે પતંજલિ પાસે આ વિશે સ્પષ્ટીકરણ માગ્યું છે, પણ એ પહેલાં તો યોગગુરુ રામદેવે દવાના લોન્ચિંગના પ્રસંગે મોટું એલાન કરતાં કહ્યું હતું કે ‘કોરોનિલ’ દવા સાત દિવસની અંદર રોગીને સંપૂર્ણ રીતે સાજા કરી દે છે. દવાનો રિકવરી રેટ સો ટકા છે અને ડેથ રેટ ઝીરો છે.

મંત્રાલયે કોરોનિલ દવાને મંજૂરી નથી આપી

જોકે મંગળવારે આ દવા રજૂ થયા પછી આયુષ મંત્રાલયે એક નિવેદન જારી કર્યું અને આ દવાના પ્રચાર પર પ્રતિબંધ મૂકી દીધો હતો. એની સાથે મંત્રાલયે પતંજલિ પાસે સંપૂર્ણ માહિતી માગી છે, એટલે કે મંત્રાલયે હજી દવાને મંજૂરી નથી આપી.

કેન્દ્રીય આયુષ મંત્રાલય સતર્ક થઈ ગયું

કોરોના વિશ્વભરમાં હાહાકાર મચાવી રહ્યો છે, ત્યારે બાબા રામદેવે કોરોનાની દવાની જાહેરાત કરીને બધાને આશ્ચર્યચકિત કરી દીધા છે. જોકે ગઈ કાલે બાબા રામદેવના એલાનના થોડાક કલાકો બાદ આયુષ મંત્રાલયે નિવેદન કર્યું હતું અને એને પગલે અનેક સવાલો ઊભા થયા હતા. માત્ર સાત દિવસોમાં કોરોનાની સારવારના દાવાને લઈને કેન્દ્રીય આયુષ મંત્રાલય સતર્ક થઈ ગયું. મંત્રાલયે આ વિશે સ્પષ્ટ કર્યું કે એને આ પ્રકારની દવાની કોઈ માહિતી નથી.

આયુષ મંત્રાલયે પતંજલિથી આ સવાલ પૂછ્યા હતા…

  • કોરોનિલ દવામાં ઉપયોગમાં લેવાયેલાં તત્ત્વોનું વિવરણ આપો.
  • જ્યા દવાનો અભ્યાસ કે પ્રયોગ કરવામાં આવ્યું હોય એ જગ્યાનું નામ, હોસ્પિટલનું નામ, પ્રોટોકોલ, સેમ્પલ સાઇઝની પણ વિગતવાર માહિતી માગી છે.
  • સંસ્થાની આચાર સમિતિની મંજૂરી, CTRE રજિસ્ટ્રેશન અને અભ્યાસનાં પરિણામોનો ડેટા પણ માગવામાં આવ્યો છે.

આ સાથે આયુષ મંત્રાલયે કહ્યું છે કે જ્યાં સુધી મામલાની તપાસ કરવામાં ન આવે ત્યાં સુધી આ પ્રકારના દાવાઓની જાહેરાત પર પ્રતિબંધ મૂકવામાં આવે છે. આયુષ મંત્રાલયના આ વાંધા પછી પતંજલિએ સ્પષ્ટતા કરી છે કે પોતાના દાવાને સાબિત કરવા માટે એણે મંત્રાલયને પુરાવા સુપરત કરી દીધા છે અને આમાં માત્ર કમ્યુનિકેશન ગેપ જ રહી ગયો હતો.

આયુષ મંત્રાલયના આ નિવેદન પછી પતંજલિ તરફથી આચાર્ય બાલકૃષ્ણએ ટ્વીટ કરીને જાણકારી શેર કરી હતી, જેમાં વિવરણ આપવામાં આવ્યું હતું અને માહિતી આયુષ મંત્રાલયને આપવામાં આવ્યાની વાત કરવામાં આવી હતી.

બંને વચ્ચે જે સંદેશવ્યવહારનો ગેપ હતો એ દૂર થયો

પતંજલિએ જવાબમાં કહ્યું હતું કે આપણી સરકાર આયુર્વેદને પ્રોત્સાહન આપે છે એ ગૌરવની વાત છે. સરકાર અને પતંજલિ કંપની વચ્ચે જે સંદેશવ્યવહારનો ગેપ હતો એ દૂર થઈ ગયો છે અને Randomised Placebo Controlled Clinical Trials ના જેટલા પણ પ્રમાણભૂૂત માપદંડો છે, એ બધાને 100 ટકા પૂરા કરવામાં આવ્યા છે એની ખાતરી પણ આયુષ મંત્રાલયને આપવામાં આવી છે.