પટના – આગામી હિન્દી ફિલ્મ ‘ધ એક્સીડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર’ના મામલે અભિનેતા અનુપમ ખેર ફસાઈ ગયા છે. એક તો ખેર આ ફિલ્મનું ટ્રેલર યૂટ્યૂબ પરથી ગાયબ થઈ જવા બદલ પરેશાન છે ત્યાં હવે એવા સમાચાર આવ્યા છે કે આ ફિલ્મ મામલે ખેર સામે કાનૂની કાર્યવાહી શરૂ કરાઈ છે.
બિહારની એક કોર્ટમાં ખેર સામે કેસ કરાયો છે.
બિહારના મુઝફ્ફરપુર શહેરમાં ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં કેસ કરાયો છે.
સુધીરકુમાર ઓઝા નામના વકીલે જ આ કેસ કર્યો છે. એમણે ફિલ્મમાં ભૂતપૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહનું પાત્ર ભજવનાર અનુપમ ખેર અને મનમોહન સિંહના ભૂતપૂર્વ મિડિયા સલાહકાર સંજય બારુનો રોલ ભજવનાર અક્ષય ખન્ના સામે કેસ કર્યો છે.
આ કેસની સુનાવણી માટે 8 જાન્યુઆરીની તારીખ નક્કી કરાઈ છે.
ઓઝાએ એવી ફરિયાદ કરી છે કે આ ફિલ્મ મનમોહન સિંહ ઉપરાંત યુપીએ સંગઠનનાં અધ્યક્ષા સોનિયા ગાંધી, કોંગ્રેસપ્રમુખ રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીનાં પુત્રી પ્રિયંકા ગાંધી-વાડ્રાને ખરાબ રીતે દર્શાવે છે.
ફરિયાદી લૉયર ઓઝાએ એમની પીટિશનમાં ફિલ્મના દિગ્દર્શક વિજય ગુટ્ટે, નિર્માતાઓ સુનીલ બોહરા અને ધવલ ગડા (પેન ફિલ્મ્સ)ના પણ નામ લીધાં છે.
‘ધ એક્સીડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર’ ફિલ્મ આવતી 11 જાન્યુઆરીએ રિલીઝ કરવાનું નિર્ધારિત છે.
ફિલ્મમાં અનુપમ ખેર ઉપરાંત અક્ષય ખન્નાએ સંજય બારુ, જર્મનીમાં જન્મેલાં અભિનેત્રી સુઝેન બર્નર્ટે સોનિયા ગાંધી અને અર્જુન માથુરે રાહુલ ગાંધીનું પાત્ર ભજવ્યું છે.