તો શું દરભંગાની સંગમ કુમારી છે પાકિસ્તાનથી પાછી આવેલી ગીતા?

નવી દિલ્હીઃ પાકિસ્તાનથી ભારત પાછી આવેલી મૂક-બધિર ગીતાને બિહારના દરભંગામાં રહેતા એક પરિવારે પોતાની દિકરી હોવાનો દાવો કર્યો હતો. પરિવારના દાવાની સત્યતા મામલે અનેક મીડિયા રિપોર્ટ્સ પણ સામે આવ્યા હતા. ત્યારે હવે આની અસર થતી દેખાઈ રહી છે. દરભંગાના ડીએમ ડોક્ટર ચંદ્રશેખર સિંહે આ મામલે ધ્યાન આપીને અધિકારીઓ સાથે આ મામલાની તપાસ કરાવી છે. તપાસ રિપોર્ટમાં સ્પષ્ટ પણે લખેલું છે કે તથ્યાત્મક વિશ્લેષણથી ખ્યાલ આવે છે કે ગીતા પર તેની માં અને પરિવારનો દાવો સત્ય હોઈ શકે છે.

તપાસ રિપોર્ટમાં લખવામાં આવ્યું છે કે પારિવારિક પૃષ્ઠભૂમિ તેમજ વર્તમાન ગીતાની શારીરિક બનાવટ અને ગ્રામીણોના મંતવ્યથી એ વાતની સંભાવનાથી ઈનકાર ન કરી શકાય કે વર્તમાન ગીતા જ હવાસાની સંગમ કુમારી છે. તપાસમાં સત્યતા સામે આવ્યા બાદ દરભંગાના ડીએમે આખો તપાસ રિપોર્ટ ગૃહ વિભાગના માધ્યમથી વિદેશ મંત્રાલયને મોકલ્યો છે.

તો આ મામલે મીડિયા સાથે વાત કરતા દરભંગાના જિલ્લા અધિકારીએ જણાવ્યું કે વર્તમાન પરિસ્થિતીઓને જોતા એ પ્રતિત થાય છે પરિવારના દાવામાં બળ છે. પાકિસ્તાનથી પાછી આવેલી ગીતા અને લાપતા પરિવારના સંગમમાં ઘણી સમાનતાઓ પણ છે. આ જ કારણ છે કે પરિવારના દાવા સાચો માનતા રિપોર્ટ ગૃહ વિભાગના માધ્યમથી વિદેશ મંત્રાલયને મોકલવામાં આવ્યો છે. તો આ સાથે જ ડીએમે જણાવ્યું છે કે મંત્રાલય પાસે આગ્રહ પણ કરવામાં આવ્યો છે કે પરિવારનો DNA ટેસ્ટ પણ કરાવવામાં આવે.

હકીકતમાં પાકિસ્તાનથી પાછી આવેલી ગીતા હવે આખા ભારતની દિકરી બની ગઈ છે. વિદેશ પ્રધાન સુષમા સ્વરાજે ગીતા સાથેનો વીડિયો મેસેજ જાહેર કરીને ગીતાના માતા-પિતા સુધી પહોંચવાનો પ્રયાસ કર્યો હતો. ખાસ કરીને બિહાર અને ઝારખંડના રહેવાસી લોકોને મદદ કરવાની અપિલ કરી હતી. ત્યારે આવામાં આશરે 10 થી 12 વર્ષ પહેલા ભારતમાંથી ખોવાઈને ગીતા પાકિસ્તાન પહોંચી પછી પાકિસ્તાની વિદેશ મંત્રાલયની મદદથી ભારત પહોંચેલી ગીતા ઉર્ફ ગુડ્ડી હવે પોતાની દિકરી હોવાનો દાવો દરભંગાનો એક પરિવાર કરી રહ્યો છે.