લખનઉઃ એવું કહેવાય છે કે ઉંમર એ એકમાત્ર નંબર છે. કનૈયાલાલ ગુપ્તાને મળો, તો તમને એવું લાગે, કેમ કે 106 વર્ષની વયે ઉત્તર પૂર્વ રેલવે મજદૂર યુનિયન (NERMU)ના જનરલ સેક્રેટરી તરીકે તેઓ 61મી વાર ચૂંટાયા છે. તેઓ ગોરખપુરના રહેવાસી છે અને હજી પણ તેઓ ટ્રેડ યુનિયનમાં સક્રિય છે.
તેઓ રેલવેની ઓફિસને જ ઘર માને છે અને રેલવેમાં કામ કરતા કર્મચારીઓને પરિવારના સભ્ય માને છે. તેમને જ્યારે પૂછવામાં આવ્યું કે તેમને યુનિયનમાં કામ કરવાની પ્રેરણા ક્યાંથી મળે છે, ત્યારે તેમણે જણાવ્યું હતું કે સામાજિક કાર્યકર્તા જયપ્રકાશ નારાયણથી તેમને સામાજિક કામ કરવાની નૈતિક શક્તિ મળે છે.
ગુપ્તા 1946માં રેલવેમાં સામેલ થયા હતા અને બહુ જલદી NERMU સાથે જોડાયા હતા. તેમણે દર વર્ષે જનરલ સેક્રેટરી પદ માટે ચૂંટણી લડી હતી. તેઓ 1981માં નિવૃત્ત થયા હતા, પણ તેઓ આજ સુધી NERMUના સભ્યોનો અવાજ બની રહ્યા છે.
તેમને તેમની નોકરીમાંથી ચાર વાર સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા અને તેમને એક મહિના માટે જેલમાં પણ મોકલવામાં આવ્યા હતા, તેમ છતાં ગુપ્તાએ ટ્રેડ યુનિયનની કામગીરીને આગળ વધારી હતી.
NERMUના સભ્યોએ જણાવ્યું હતું કે તેમની યાદશક્તિ તેજ છે તેમની દિનચર્યા- વહેલા ઊઠવું, દિવસભર કામ કરવું અને અડધી રાતે સૂવા જવાનું તેમ જ તેઓ શિસ્તના આગ્રહી છે. આ યુનિયનના સભ્યએ કહ્યું હતું કે તેઓ એક દિવસમાં બે વાર મસાલા વગરની બે રોટલી અને થોડી દાળ જમે છે.
