શ્રીનગર – ગયા મહિને જમ્મુ અને કશ્મીર રાજ્યના જમ્મુમાં સુંજવાન આર્મી કેમ્પ પર કરવામાં આવેલા ભયાનક ત્રાસવાદી હુમલાના સૂત્રધાર મુફ્તી વકાસને સુરક્ષા દળોએ દક્ષિણ કશ્મીરના અવંતિપોરામાં આજે એક એન્કાઉન્ટરમાં ઠાર કર્યો છે. મુફ્તી વકાસ જૈશ-એ-મોહમ્મદ સંગઠનનો ત્રાસવાદી હતો.
ગુપ્તચર વિભાગ તરફથી મળેલી ચોક્કસ બાતમીને પગલે લશ્કરના જવાનોની એક નાનકડી ટૂકડી અને સ્પેશિયલ ઓપરેશન્સ ગ્રુપના કમાન્ડો અવંતિપોરના હટવાર વિસ્તારમાં પહોંચી ગયા હતા અને મુફ્તી વકાસ જે ઘરમાં છુપાયો હતો એ ઘરને ઘેરી લઈને એની પર સર્જિકલ હુમલો કર્યો હતો.
વકાસ જૈશ-એ-મોહમ્મદનો ઓપરેશનલ કમાન્ડર હતો અને જમ્મુની સુંજવાન આર્મી કેમ્પ તથા દક્ષિણ કશ્મીરના લેથપોરાની સીઆરપીએફ કેમ્પ પરના આતંકવાદી હુમલાનો સૂત્રધાર હતો.
મુફ્તી વકાસ સાથેના એન્કાઉન્ટરમાં કોઈ નાગરિકનો જાન ગયો નથી, એવું લશ્કર તરફથી જણાવવામાં આવ્યું છે.
મુફ્તી વકાસ પાકિસ્તાની નાગરિક હતો અને તે 2017માં કશ્મીર ખીણમાં ઘૂસી આવ્યો હતો. એણે દક્ષિણ કશ્મીરના ત્રાલથી લઈને જમ્મુમાં અનેક ફિદાઈન (આત્મઘાતી હુમલાખોરો)ને મોકલ્યા હતા, જેમણે ગઈ 10 ફેબ્રુઆરીએ આર્મી કેમ્પ પર હુમલો કર્યો હતો. સુંજવાન કેમ્પ પરના હુમલામાં પાંચ લશ્કરી જવાન શહીદ થયા હતા. સુરક્ષા દળોએ ત્યારે કરેલા વળતા હુમલામાં ત્રણેય હુમલાખોર ત્રાસવાદીઓ માર્યા ગયા હતા.