દિલ્હીમાં પૂરની સ્થિતિ વચ્ચે ભાજપ-આપ વચ્ચે ખેંચતાણ

નવી દિલ્હીઃ દિલ્હીમાં યમુનાનાં પાણી ઓછાં થવાની સાથે-સાથે આમ આદમી પાર્ટી અને ભાજપની વચ્ચે- ચલક ચલાણું પેલે ઘેરે ભાણાની રમત ચાલી રહી છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચે તૂતૂમેંમેં ચાલી રહી છે. ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા ગૌરવ ભાટિયાએ અને લોકસભાના સાંસદ પ્રવેશ વર્માએ સંયુક્ત પત્રકાર પરિષદમાં આરોપ લગાવ્યો હતો કે કેન્દ્ર સરકાર, ભારતીય સેના, LG અને NDRF પૂરથી ત્રસ્ત દિલ્હીની જનતાની મદદ કરવામાં લાગી છે.

તેમણે કહ્યું હતું કે છેલ્લાં નવ વર્ષોમાં યમુનાને સાફ કરવા માટે રૂ. 6800 કરોડનો ખર્ચ થયો છે. ડિસિલ્ટિંગનું કામ, ઇરિગેશન ડિપાર્ટમેન્ટ અંતર્ગત આવે છે. કેજરીવાલે એ જણાવવું જોઈએ કે ડિસિલ્ટિંગ કેમ નથી કરી શક્યા? આજે રાજ્યમાં આપની સરકાર છે. દિલ્હી જળ બોર્ડ તમારું છે. MCD પણ તમારી છે. એ પછી પણ કેજરીવાલ અને તેમના મંત્રી અન્યો પર દોષારોપણ કેમ કરી રહ્યા છે?  શું જનતા માટે દિવસ-રાત ઊભા રહેનાર ઉપરાજ્યપાલ અને કેન્દ્ર સરકાર ષડયંત્ર કરી રહ્યા છે? અને શીશમહલમાં બેસીને જે ACનો આનંદ લઈ રહ્યા છે- એ મુખ્ય પ્રધાન સાચા છે?

બીજી બાજુ કેજરીવાલ અને તેમના મંત્રીઓએ દિલ્હીમાં પૂરની સ્થિતિ માટે હરિયાણાની રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર પર દોષારોપણ કર્યું હતું.