મુંબઈઃ નાણાકીય વર્ષ 2021-22 સમાપ્ત થયું છે ત્યારે ટાટા મોટર્સ કંપનીએ તેના ઈલેક્ટ્રિક વાહનોનાં વેચાણમાં જબ્બર વધારો નોંધાવ્યો છે. કંપની તરફથી મળેલી વિગત અનુસાર, તેણે વીતી ગયેલા નાણાકીય વર્ષમાં 19,106 ઈલેક્ટ્રિક વાહનો વેચ્યા હતા, જે નાણાકીય વર્ષ 2020-21ની સરખામણીમાં 353 ટકા વધારે છે. કંપનીએ એક જ મહિનામાં 3,000થી વધારે ઈલેક્ટ્રિક કાર વેચવાનો વિક્રમ સર્જ્યો છે. માર્ચ-2022માં તેણે 3,357 કાર વેચી હતી, જે માર્ચ-2021ની સરખામણીમાં 377 ટકા વધારે છે.
ટાટા મોટર્સ માત્ર બે જ વેરિઅન્ટની ઈલેક્ટ્રિક કાર વેચી રહી છે – નેક્સન અને ટીગોર. આ બે મોડલ સાથે તે ભારતીય ઈલેક્ટ્રિક કાર માર્કેટમાં નંબર-વન બની ગઈ છે. કુલ મળીને, ટાટા મોટર્સે FY22માં 3,70,372 વાહનો વેચ્યા હતા, જે અગાઉના વર્ષની સરખામણીમાં 67 ટકા વધારે છે. ભારતમાં સૌથી મોટી કાર ઉત્પાદકોમાં મારુતિ અને હ્યુન્ડાઈ પછી ટાટા મોટર્સ ત્રીજા નંબરે છે.