ચેન્નાઈ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ મંત્રી અમિત શાહ પર વિવાદાસ્પદ કોમેન્ટ કરનાર તમિલ લેખક નેલ્લઈ કન્નનની તમિલનાડુ પોલીસે ધરપકડ કરી છે. નાગરિકતા સંશોધન કાયદાનો વિરોધ કરી રહેલા કન્નન પર આરોપ છે કે, 29 ડિસેમ્બરે સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી ઓફ ઈન્ડિયાના પ્રદર્શનમાં તમણે મોદી-શાહ વિરુદ્ધ ભડકાઉ ટિપ્પણી કરી હતી. ભાજપ પ્રવક્તા નારાયણન થિરુપાઠીએ કહ્યું છે કે, લેખકે લોકોને હિંસા અને ઉશ્કેરવા માટેના પ્રયત્નો કર્યા છે.
એક વિડિયો વાઈરલ થયા બાદ નેલ્લઈ કન્નન ચર્ચામાં આવ્યા હતા. એ વિડિયોમાં તેઓ નાગરિકતા કાયદાના વિરોધમાં બોલી રહ્યા હતા. સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી ઓફ ઈન્ડિયાએ આ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાંની સાથે ભાજપના પદાધિકારીઓએ નેલ્લઈ કન્નન વિરુદ્ધ કાર્યવાહ કરવાની માગ કરી હતી.
બીજી બાજુ કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી જી કિશન રેડ્ડીએ વારાણસીમાં કહ્યું કે, તમે પ્રદર્શન કેમ કરી રહ્યા છો? કોના વિરુદ્ધ કરી રહ્યા છો? હિન્દુઓ પાકિસ્તાન અને બાંગ્લાદેશથી ભારત નહીં આવે તો શું ઈટલી જશે? તેઓ ઈટલી નહીં જાય. તે આપણી જવાબદારી છે કે આપણે તેમને શરણ અને નાગરિકતા આપીએ.
દિલ્હીમાં જામિયા યુનિવર્સિટીના એલ્યુમિનાઈ એસોસિયેશને સીએએ, એનઆરસી અને એનપીઆર વિરુદ્ધ કેન્ડલ માર્ચ કરી હતી. એસોસિયેશનના અધ્યક્ષ ફરાઝે કહ્યું, અમે નવા કાયદા વિરુદ્ધ વિદ્યાર્થીઓના પ્રદર્શનને સમર્થન આપીએ છીએ અને જ્યાં સુધી સરકાર યોગ્ય પગલાં નહીં લે ત્યાં સુધી દેખાવો ચાલુ રહેશે.
ઉલ્લેખનીય છે કે, 12 ડિસેમ્બર 2019ના રોજ સીએએને રાષ્ટ્રપતિએ મંજૂરી આપી દીધી છે. ત્યારથી દિલ્હી સહિત ઘણાં રાજ્યોમાં આ વિશે વિરોધ ચાલી રહ્યો છે. નવા કાયદા અંતર્ગત પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશથી ભારતમાં હિન્દુ, સિખ, જૈન, પારસી, બૌદ્ધ અને ઈસાઈ શરણાર્થીઓને ભારતીય નાગરિકતા આપવામાં આવશે. આ કાયદા અંતર્ગત એ લોકોને જ ભારતીય નાગરિકતા આપવામાં આવશે જેઓ 31 ડિસેમ્બર 2014 પહેલાં ભારત આવી ગયા છે.