મદુરાઈઃ તામિલનાડુના મદુરાઈ રેલવે સ્ટેશન નજીક ઉભેલી એક પેસેન્જર ટ્રેનના એક ડબ્બામાં આજે વહેલી સવારે લગભગ 5.30 વાગ્યાના સુમારે ભીષણ આગ લાગતાં ઓછામાં ઓછા 9 જણના જાન ગયા છે અને બીજાં 20 જણને ગંભીર ઈજા થઈ છે.
મૃતકો ઉત્તર પ્રદેશનાં હતાં. આગ લાગી ત્યારે ડબ્બામાં 55 પ્રવાસીઓ હતા. આગ લાગતાં કેટલાક પ્રવાસીઓ ઝડપથી ડબ્બામાંથી ઉતરી ગયા હતા. દક્ષિણ રેલવેના નિવેદન અનુસાર, પ્રવાસીઓને એક ખાનગી પાર્ટી માટે અલાયદા રખાયેલા કોચમાં બેસાડવામાં આવ્યા હતા, પણ તેઓ ગેરકાયદેસર રીતે ગેસ સિલિન્ડર ડબ્બામાં લઈ ગયા હતા અને એને કારણે આગ લાગી હતી. જાણ કરાતાં તરત જ મદુરાઈ અગ્નિશમન દળના જવાનો દોડી આવ્યા હતા અને આગને બુઝાવી દીધી હતી.
ઉત્તર પ્રદેશના કમનસીબ યાત્રાળુ-પ્રવાસીઓના પ્રાઈવેટ ડબ્બાને પુણાલુર-મદુરાઈ એક્સપ્રેસ ટ્રેન (નંબર 16730) સાથે જોડવામાં આવ્યો હતો. એમની ટ્રેને ગઈ 17 ઓગસ્ટે લખનઉથી સફર શરૂ કરી હતી. ટ્રેન આજે વહેલી સવારે 3.47 વાગ્યે મદુરાઈ સ્ટેશન ખાતે આવી પહોંચી હતી. પાર્ટી કોચને તે ટ્રેનથી અલગ કરીને સ્ટેશન નજીક સ્ટેબલિંગ લાઈન પર મૂકવામાં આવ્યો હતો.
રેલવે તંત્રના જણાવ્યા મુજબ, કોઈ પણ વ્યક્તિ IRCTC પોર્ટલ મારફત પાર્ટી કોચ બુક કરાવી શકે છે. પરંતુ એમને ડબ્બામાં ગેસ સિલિન્ડર જેવી કોઈ જ્વલનશીલ ચીજવસ્તુ રાખવાની પરવાનગી અપાતી નથી. કોચનો ઉપયોગ માત્ર ટ્રાન્સપોર્ટેશન હેતુ માટે જ કરવાનો છે.