કુવૈતના શાસક અમીરે 15 ભારતીયોની મોતની સજાને આજીવન કેદમાં બદલી નાખી; સુષમા સ્વરાજે આભાર માન્યો

નવી દિલ્હી – વિદેશ પ્રધાન સુષમા સ્વરાજે આજે જણાવ્યું છે કે કુવૈતની જેલમાં પૂરવામાં આવેલા 15 ભારતીયોને મોતની સજા ફરમાવવામાં આવી હતી, પણ કુવૈતના શાસક અમીરે એમની સજાને આજીવન કેદમાં બદલી નાખી છે.

સ્વરાજે ટ્વીટ કરીને આ જાણકારી આપી છે. એમણે વધુમાં કહ્યું છે કે કુવૈતમાં 119 ભારતીય નાગરિકોને જુદા જુદા ગુનાઓ બદલ ફટકારવામાં આવેલી સજામાં ઘટાડો કરવાનો પણ અમીરે આદેશ આપ્યો છે.

આ દયાળુ નિર્ણય લેવા બદલ સ્વરાજે કુવૈતના અમીરનો આભાર માન્યો છે અને કહ્યું છે કે કુવૈતમાંની જેલોમાંથી મુક્ત કરાનાર ભારતીય નાગરિકોને એ દેશમાંની ભારતીય દૂતાવાસ સહાયતા કરશે.