નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે ઉત્તર પ્રદેશ મદરેસા એક્ટને લઈને અલાહાબાદ હાઇકોર્ટના ચુકાદાના વચગાળાના ચુકાદા પર સ્ટે મૂક્યો છે. હાઇકોર્ટે મદરેસા એક્ટની જોગવાઈઓને સમજવાની ભૂલ કરી છે. હાઇકોર્ટનું એ માનવું છે કે એ એક્ટ ધર્મનિરપેક્ષતાના સિદ્ધાંતની વિરુદ્ધ છે, ખોટો છે. અલાહાબાદ હાઇકોર્ટની લખનૌ બેન્ચ દ્વારા UP બોર્ડ ઓફ મદરેસા એજ્યુકેશન એક્ટ 2004ને ગેરબંધારણીય ગણાવાયો હતો.
ઉત્તરપ્રદેશના 25 હજાર મદરેસામાં ભણતાં 17 લાખ વિદ્યાર્થીઓને આજે સુપ્રીમ કોર્ટમાં મોટી રાહત મળી હતી. યુપી મદરેસા એક્ટ 2004 મામલે સુપ્રીમ કોર્ટે અલ્હાબાદ હાઈકોર્ટ દ્વારા આપવામાં આવેલા ચુકાદા સામે સ્ટે આપી દીધો છે. મદરેસા સંચાલકો તરફથી અરજી દાખલ કરવામાં આવી હતી તેના પર સુનાવણી કરતાં સુપ્રીમકોર્ટે આ ચુકાદો આપ્યો હતો.
સુપ્રીમ કોર્ટની ત્રણ જજોની બેન્ચે પોતાના ચુકાદામાં કહ્યું હતું કે મદરેસા બોર્ડનો હેતુ નિયામક તરીકેનો છે. મદરેસા એજ્યુકેશન બોર્ડની રચના સેક્યુલારિઝમ વિરુદ્ધ છે તેવી વાત સાથે સુપ્રીમ કોર્ટ સહમત થઈ નથી. ગત અઠવાડિયે જ અલાહાબાદ હાઈકોર્ટની લખનો બેન્ચે યુપી સરકારને મદરેસાના વિદ્યાર્થીઓને સામાન્ય સ્કૂલોમાં ટ્રાન્સફર કરવા અને તેનું નોમિનેશન કરાવવા માટે આદેશ આપ્યો હતો. હાઈકોર્ટે એમ પણ કહ્યું હતું કે ધાર્મિક શિક્ષણ માટે બોર્ડની રચના કરવાની સરકાર પાસે સત્તા નથી.
આ મામલે ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા ડી. વાય. ચંદ્રચૂડના નેતૃત્વ હેઠળની ત્રણ જજોની બેન્ચે સ્ટે આપી દીધો છે. આ ઉપરાંત સુપ્રીમની બેન્ચે કેન્દ્ર સરકાર તથા યુપી સરકારને નોટિસ ફટકારીને તેનો જવાબ માગ્યો છે. 30 જૂન, 2024 સુધીમાં આ જવાબ કોર્ટમાં રજૂ કરવાનો રહેશે.
કોર્ટે એમ પણ જણાવ્યું હતું કે સરકાર સ્કૂલના શિક્ષણ માટે કોઈ એવા બોર્ડની રચના ન કરી શકે જેમાં કોઈ ખાસ ધર્મ અને તેના મૂલ્યોનું શિક્ષણ અપાતું હોય. મદરેસા અજિજિયા ઈજાજતુલ ઉલૂમના મેનેજર અંજુમ કાદરીએ હાઈકોર્ટના આ ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. સિનિયર એડવોકેટ અભિષેક મનુ સિંઘવી યુપી મદરેસા બોર્ડ વતી લડ્યા હતા. તેમણે દલીલ કરી કે એક્ટને રદ કરવાનો હાઈકોર્ટને અધિકાર નથી. 2018માં યુપી સરકારના આદેશ મુજબ આ મદરેસામાં વિજ્ઞાન, પર્યાવરણ અને ગણિત જેવા વિષય ભણાવાય છે.
