સુપ્રીમ કોર્ટનો વોટને બદલે નોટને મામલે ઐતિહાસિક ચુકાદો

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે વોટને બદલે નોટ મામલે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. હવે જો સાંસદ પૈસા લઈને સંસદમાં ભાષણ અથવા મત આપશે તો તેમની વિરુદ્ધ કેસ ચલાવી શકાશે. હવે આ મામલે કાનૂની છૂટ નહીં મળે. કોર્ટે વોટને બદલે નોટ મામલે પાછલો ચુકાદો ફેરવીતોળ્યો છે. કોર્ટે આર્ટિકલ 105નો હવાલો આપતાં આ મામલે સાંસદોને કોઈ પણ પ્રકારની રાહત આપવાથી ઇનકાર કરતાં કહ્યું છે કે કોઈને પણ લાંચની છૂટ ના આપી શકાય. આવામાં સાંસદોએ કાનૂની સંરક્ષણથી છૂટની અપેક્ષા નહીં કરવી જોઈએ.

CJI ડી. વાય. ચંદ્રચૂડ, જસ્ટિસ એએસ બોપન્ના, જસ્ટિસ એમએમ સુંદરેશ, જસ્ટિસ પીએસ નરસિંહા, જેબી પારડીવાલા, જસ્ટિસ સંજયકુમાર અને જસ્ટિસ મનોજ મિશ્રાની બેન્ચે ચુકાદો આપ્યો હતો. સાત જજોએ સહમતીથી આ ચુકાદો આપ્યો હતો.

આ ખંડપીઠે ઓક્ટોબર, 2023ના પહેલા બે સપ્તાહમાં બે દિવસો સુધી દલીલો સાંભળી હતી. સુપ્રીમ કોર્ટના સાત ન્યાયાધીશોની ખંડપીઠે સર્વસંમતિથી 1998ના પીવી નરસિંહા રાવ મામલે જોડાયેલા ચુકાદાને ફગાવ્યો હતો, જેમાં સાંસદો-વિધાનસભ્યોને સંસદમાં મતદાન માટે લાંચની વિરુદ્ધ કેસ ચલાવવાની છૂટ આપવામાં આવી હતી.

CJIએ ચુકાદો આપતાં કહ્યું હતું કે એક સાંસદ-વિધાનસભ્ય છૂટનો દાવો ના કરી શકે, કેમ કે દાવો સંસદના સામૂહિક કામકાજથી જોડાયેલો છે. આર્ટિકલ 105 વિચારવિમર્શ માટે એક માહોલ બનાવી રાખવાનો પ્રયાસ કરે છે. આ પ્રકારે જ્યારે કોઈ સભ્યને ભાષણ આપવા માટે લાંચ આપવામાં આવે છે તો એનાથી માહોલ ખરાબ થાય છે. સાંસદો-વિધાનસભ્યો દ્વારા ભ્રષ્ટાચાર અને લાંચ ભારતીય સંસદીય લોકતંત્રની કાર્યપ્રણાલીને નષ્ટ કરી દે છે.