નવી દિલ્હી: સીએએ અને એનઆરસીના વિરોધમાં દક્ષિણ દિલ્હીના શાહીન બાગમાં ચાલી રહેલા પ્રદર્શનને કારણે છેલ્લા ઘણા સમયથી મુખ્યમાર્ગ 13A બંધ છે, જેના પર પ્રદર્શનકારીઓ વિરોધ કરી રહ્યા છે. આ રસ્તાને ખોલવા અંગે આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી. વકીલ શશાંક દેવની અરજી પર સુનાવણી દરમ્યાન કોર્ટે કહ્યું કે, અમે સમજી શકીએ છીએ કે, રસ્તો બંધ હોવાને કારણે મોટી મુશ્કેલી પડી રહી છે. વકીલે કહ્યું કે, કોર્ટ આ મામલે યોગ્ય દિશા-નિર્દેશ જાહેર કરે. જેના પર સુપ્રીમે સુનાવણી માટે 10 ફેબ્રુઆરીની તારીખ નક્કી કરી છે.
સુપ્રીમમાં દાખલ કરવામાં અરજીમાં દિલ્હીને નોઈડા સાથે જોડતો મુખ્યમાર્ગ 13A બંધ હોવાને કારણે પડી રહેલી હાલાકીની વાત કહેવામાં આવી છે. આ સાથે જ આ રસ્તાને ખાલી કરવા સંબંધિત વિભાગને આદેશ આપવાની અપીલ કરવામાં આવી છે.
મહત્વનું છે કે, સીએએ-એનઆરસી વિરુદ્ધ દિલ્હીના શાહીન બાગમાં ગઈ 15 ડિસેમ્બરથી પ્રદર્શન ચાલી રહ્યું છે, જેને પગલે કાલિંદી કુંજ-શાહીન બાગનો રસ્તો બંધ છે જેને 13A કહેવામાં આવે છે. આ રસ્તો બંધ હોવાને કારણે ન માત્ર સ્થાનિક પણ દિલ્હી-નોઈડાથી આવતા-જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. રસ્તાને કારણે અહીંનો વેપાર પણ ઘણો પ્રભાવિત થયો છે.
ઉલ્લેખનીય છે કે, 8 ફેબ્રુઆરીએ દિલ્હીની 70 વિધાનસભા બેઠકો પર મતદાન યોજાશે. દિલ્હીના મુખ્ય ચૂંટણી અધિકારી રણબીર સિંહના જણાવ્યા અનુસાર, શાહીન બાગમાં ચાલી રહેલ વિરોધ પ્રદર્શનને પગલે આ વિસ્તારના 5 મતદાન મથકો સંવેદનશીલ હોવાનું માનવામાં આવ્યું છે.