રાજકોટ હોસ્પિટલમાં અગ્નિકાંડઃ SC દ્વારા કેન્દ્રની ઝાટકણી

નવી દિલ્હીઃ રાજકોટની ઉદય શિવાનંદ કોવિડ-19 હોસ્પિટલમાં ગઈ કાલે રાતે થયેલી આગની દુર્ઘટના અને એમાં પાંચ દર્દીના નિપજેલા મોતના સમાચારની સુપ્રીમ કોર્ટે આજે ગંભીર નોંધ લીધી હતી અને કેન્દ્ર સરકારને કોર્ટમાં હાજર થવાનો આદેશ આપ્યો હતો તથા ગુજરાત સરકાર પાસેથી અહેવાલ માગ્યો છે.

કેન્દ્ર સરકાર વતી સોલિસીટર જનરલ તુષાર મહેતા કોર્ટમાં હાજર થયા હતા. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારની ઝાટકણી કાઢી હતી અને કહ્યું હતું કે ભારતમાં કોરોના રોગના વધી ગયેલા કેસોને રોકવા માટે નીતિઓ, માર્ગદર્શિકાઓ તથા સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસીજર્સ (SOPs)ને લાગુ કરવા માટે કડક પગલાં ભરવાનો સમય આવી ગયો છે. ન્યાયાધીશો અશોક ભૂષણ, આર.એસ. રેડ્ડી અને એમ.આર. શાહે કહ્યું કે રોગચાળાનો સામનો કરવા માટે રાજ્ય સરકારોએ રાજકારણને બાજુએ મૂકી ઉત્તમ કામગીરી બજાવવાની છે. અમે અહીંયા સુનાવણી કરીએ છીએ અને બહાર 80 ટકા લોકો યા તો માસ્ક પહેર્યા વગર ફરી રહ્યા છે અથવા તો માસ્કને દાઢી પર લટકાવી રાખ્યો છે. સરકારે માત્ર SOPs બનાવી દીધી છે, એના અમલની કોઈને પડી નથી. પરિસ્થિતિ ખરાબમાંથી અતિ ખરાબ બની રહી છે.

તુષાર મહેતાએ કોર્ટને ખાતરી આપી હતી કે કેન્દ્રીય ગૃહ સચિવ શનિવાર સુધીમાં મીટિંગ બોલાવશે અને દેશભરમાં સરકારી હોસ્પિટલોમાં આગના જોખમ સામે સુરક્ષાનાં પગલાં લેવા આદેશો બહાર પાડશે.