CM કેજરીવાલની વચગાળાની જામીન અરજી સુપ્રીમે ઠુકરાવી

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે દિલ્હીના CM કેજરીવાલની વચગાળાના જામીન અરજીને ફગાવી દીધા છે. દિલ્હી લિકર કૌભાંડમાં કેજરવાલ વચગાળાના જામીન ઇચ્છતા હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં આ કારણે એક અરજી દાખલ કરી હતી, પરંતુ કોર્ટે સ્પષ્ટતા કરતાં કહ્યું હતું કે જ્યાં સુધી બંને પક્ષોને સાંભળી ના લેવામાં આવે, ત્યાં સુધી કોઈ પણ પ્રકારની રાહત ના આપી શકાય. હવે આ મામલામાં આગામી સુનાવણી 23 ઓગસ્ટે થવાની છે.

સુપ્રીમ કોર્ટે CM કેજરીવાલની જામીન અરજી ફગાવતાં CBIને નોટિસ જારી કરી હતી. જેથી સૌથી પહેલાં CBIને કોર્ટમાં જવાબ આપવાની તક મળશે. કેજરીવાલના વકીલ સિંઘવીએ આરોગ્યનાં કારણોનો હવાલો આપતાં વચગાળાના જામીનની માગ કરી હતી. જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ ભુઇયાંની ખંડપીઠે આમ આદમી પાર્ટીના સંયોજકની અરજી પર સુનાવણી કરી હતી.

સુપ્રીમ કોર્ટે હજી થોડા દિવસ પહેલાં મનીષ સિસોદિયાને રાહત આપતાં લિકર કેસમાં જામીન આપ્યા હતા. કોર્ટે તર્ક આપ્યો હતો કે સિસોદિયા તો માત્ર બીમાર પત્નીથી મળવા માટે જામીન ઇચ્છતા હતા, એટલે તેમને જામીન આપવામાં આવ્યા હતા.

આ પહેલાં દિલ્હી હાઇકોર્ટે પાંચ ઓગસ્ટની CMની ધરપકડને કાયદેસર ઠેરવી હતી. કોર્ટે કહ્યું હતું કે CBIનાં કૃત્યોમાં કોઈ બદઇરાદો નહોતો, જેનાથી એ માલૂમ પડે છે કે આપ નેતા કોઈ પણ પ્રકારના સાક્ષીઓને પ્રભાવિત કરી શકે છે. કોર્ટે કહ્યું હતું કે કેજરીવાલ કોઈ સાધારણ નાગરિક નથી. બલકે મેગસાયસાય એવોર્ડ વિજેતા અને આમ આદમી પાર્ટીના સંયોજક છે.