નવી દિલ્હી : મહારાષ્ટ્રનું રાજકીય સંકટ હજુ ખતમ નથી થયું. સુપ્રીમ કોર્ટમાં શિવસેના, કૉંગ્રેસ અને એનસીપીની અરજી પર સુનાવણી થઈ. સુપ્રીમ કોર્ટ હવે મહારાષ્ટ્રના સંકટ પર મંગળવાર સવારે 10:30 વાગ્યે ચુકાદો આપશે. સોમવારે લગભગ બે કલાક સુધી મામલા પર કોર્ટમાં રજૂઆતો થઈ. કૉંગ્રેસ-એનસીપી-શિવસેના તરફથી વહેલી તકે ફ્લોર ટેસ્ટ કરાવવાની માંગ કરવામાં આવી, જ્યારે ફડણવીસ અને અજિત પવાર તરફથી વધુ સમય માંગવામાં આવ્યો છે.
- સુપ્રીમ કોર્ટ હવે મંગળવાર સવારે 10:30 વાગ્યે પોતાનો ચુકાદો સંભળાવી શકે છે.
- મહારાષ્ટ્ર સંકટ પર તમામ પક્ષોની દલીલો સાંભળ્યા બાદ સુપ્રીમ કોર્ટ ચુકાદો સુરક્ષિત રાખ્યો છે. હવે કાલે સવારે 10:30 વાગ્યે ચુકાદો આપવામાં આવશે.
- મુકુલ રોહતગીએ સુપ્રીમ કોર્ટમાં કહ્યુ કે, રાજયપાલે ફ્લોર ટેસ્ટ માટે 14 દિવસનો સમય આપ્યો છે. તેઓએ કહ્યુ કે, પ્રોટેમ સ્પીકર બાદ સ્પીકરની ચૂંટણી જરૂરી છે. પરંતુ વિપક્ષ પ્રોટેમ સ્પીકરથી જ કામ કરાવવા માંગે છે.
- અભિષેક મનુ સિંઘવીએ કહ્યુ કે, અમે આજે જ ફ્લોર ટેસ્ટ હારવા માટે તૈયાર છીએ, પરંતુ બીજેપી ગઠબંધન ફ્લોર ટેસ્ટ હાલ નથી ઈચ્છતું.
- એનસીપી અને કૉંગ્રેસનો પક્ષ રજૂ કરી રહેલા અભિષંક મનુ સિંઘવીએ કહ્યુ કે, ફ્લોર ટેસ્ટ આજે કે કાલે કરાવી દેવો જોઈએ. સાથોસાથ ફ્લોર ટેસ્ટ સિક્રેટ બેલેટથી ન કરાવવો જોઈએ. બીજેપી ફ્લોર ટેસ્ટ હારી જ જશે.
- સુપ્રીમ કોર્ટે ધારાસભ્યોના સમર્થનના સોગંદનામા રેકોર્ડમાં લેવાનો ઇન્કાર કરી દીધો છે.
- શિવસેનાનો પક્ષ રજૂ કરતાં કપિલ સિબ્બલે કહ્યુ કે, દેશમાં એવું શું રાષ્ટ્રીય ઇમરજન્સી આવી ગઈ હતી કે સવારે 5 વાગ્યે રાષ્ટ્રપતિ શાસન હટાવ્યું અને 8 વાગ્યે મુખ્યમંત્રીના શપથ પણ લેવડાવી દીધા. મહારાષ્ટ્રમાં ગેરકાયદેસર રીતે સરકાર બનાવવામાં આવી છે.
- બીજી તરફ, એનસીપી અને કૉંગ્રેસ તરફથી પક્ષ રજૂ કરી રહેલા અભિષેક મનુ સિંઘવીએ કહ્યુ કે, મહારાષ્ટ્રમાં લોકતંત્રની હત્યા થઈ છે. અમારી માંગ છે કે 24 કલાકની અંદર ફ્લોર ટેસ્ટ કરાવવામાં આવે. અમારી પાસે 7 અપક્ષ ધારાસભ્યોના સમર્થનની પણ એફિડેવિટ છે.