સબરીમાલા કેસ: પુનર્વિચાર અરજી પર 22 જાન્યુઆરીએ સુનાવણી કરશે SC

નવી દિલ્હી- કેરળમાં આવેલા અતિ પ્રાચીન એવા સબરીમાલા મંદિરમાં વર્ષોથી ચાલતી આવતી પરંપરા મુજબ 10 થી 50 વર્ષીય મહિલાઓને પ્રવેશ નહીં આપવાની પરંપરા ઉપર સુપ્રીમ કોર્ટે પ્રતિબંધ ઉઠાવી લઈ તમામ વયની મહિલાઓને મંદીરમાં પ્રવેશની છુટ આપી હતી.સુપ્રીમ કોર્ટના આ નિર્ણયનો કેરળમાં ભારે વિરોધ કરવામાં આવ્યો છે અને આ ચુકાદા પર પુનર્વિચારની માગ કરતી 49 અરજીઓ દાખલ કરવામાં આવી છે. જેના પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આઆવી હતી.

સુપ્રીમ કોર્ટે તેના અગાઉના ચુકાદામાં તમામ ઉંમરની મહિલાઓને સમાન ગણાવી તમામને સમાન અધિકાર અને સ્વતંત્રતા આપી સબરીમાલા મુદ્દે મહત્વનો ચુકાદો સંભળાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટના ચુકાદાથી કાયદાકીય રીતે તો આ બધુ સારું જણાઈ રહ્યું હતું. પરંતુ સામાજીક દ્રષ્ટિએ આજે પણ લોકો સુપ્રીમ કોર્ટના ચુકાદાને ગેરમાન્ય ગણાવી રહ્યા છે.

જુના પુરાણ રિવાજો અને રુઢીઓની જાળ મહિલાઓની સ્વતંત્રતા અને બંધારણીય હક્ક છીનવી કાયદાને મર્યાદીત કરી રહ્યા છે. સબરીમાલા મુદ્દે પણ લોકોનું કંઈક આ પ્રકારનું વલણ જોવા મળી રહ્યું છે. સુપ્રીમ કોર્ટ કાયદા અને બંધારણની દ્રષ્ટિથી નિર્ણયો સંભળાવી લોકોની નકારાત્મક માનસિકતા દુર કરવા પ્રયત્ન કરે છે પરંતુ કાયદાથી લોકોની માનસીકતા અને રુઢીઓ બદલાવવી અશકય છે તેવું આ પરથી જોઈ શકાય છે.

સબરીમાલા મંદિરમાં મહિલાઓના પ્રવેશ પર છુટને લઈને સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગાઈ, જસ્ટિસ સંજય કિશન કૌલ અને જસ્ટિસ એમ. જોસેફની ખંડપીઠ આજે નિર્ણય સંભળાવવાની હતી. કેસની વધુ સુનાવણી આગામી વર્ષે 22 જાન્યુઆરીએ હાથ ધરવામાં આવશે.