આયુષ્યમાન ભારત યોજનાના 50 દિવસ, આ રીતે મળી રહ્યો છે ફાયદો

નવી દિલ્હી- વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોન્ચ કરેલી હેલ્થ ઈન્શ્યોરન્સ સ્કીમ આયુષ્માન ભારત યોજનાને આાજે 50 દિવસ પુરા થયા છે. આ 50 દિવસમાં દેશના 2 લાખ લોકોએ મફત સારવાર કરાવી છે. અને સરકારને 17 અબજ રુપિયાના ક્લેઈમ મળ્યા છે. જેમાં અલગ અલગ રાજ્યોએ 3 અબજ રુપિયાના કલેઈમ મંજૂર પણ કરી દીધા છે.સરકારના આંકડા જણાવી રહ્યાં છે કે, અત્યાર સુધીમાં પાંચ લાખ લોકોને મેડીક્લેઈમ યોજનાના કાર્ડ મોકલી આપવામાં આવ્યા છે. સરકારે 10 કરોડ ગરીબ પરિવારોના 50 કરોડ સદસ્યોને આ યોજના હેઠળ આવરી લેવાનો દાવો કર્યો છે. જેમાં દરેકને પાંચ લાખ રુપિયા સુધીનું મેડિકલ ઈન્શ્યોરન્સનો લાભ આપવામાં આવશે.

આયુષ્માન ભારત યોજનાનો પ્રચાર વિશ્વની સૌથી મોટી સ્વાસ્થ્ય વિમા યોજના તરીકે કરવામાં આવ્યો છે. જેમાં આગામી નાણાકીય વર્ષ દરમિયાન આ યોજના માટે રુપિયા 120 કરોડના ખર્ચનો અંદાજ મુકવામાં આવ્યો છે. આપને જણાવી દઈએ કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગત 25 સપ્ટેમ્બરે આ યોજના લોન્ચ કરી હતી.