સુપ્રીમ કોર્ટે મનીષ સિસોદિયાને લિકર પોલિસીમાં જામીન આપ્યા

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે દિલ્હી લિકર નીતિ કેસમાં આપ નેતા મનીષ સિસોદિયાને જામીન આપી દીધા છે. જસ્ટિસ બી.આર. ગવઈ અને જસ્ટિસ કે. વી. વિશ્વનાથનની ખંડપીઠે દિલ્હીના ભૂતપૂર્વ ઉપ CMને CBI અને ED દ્વારા નોંધાયેલા કેસોમાં જામીન આપી દીધા છે. જોકે કોર્ટે શરતો લાદી છે અને તેમને પાસપોર્ટ સરેન્ડર કરવા અને સાક્ષીઓને પ્રભાવિત ન કરવા નિર્દેશ આપ્યો. હવે સિસોદિયા 17 મહિના પછી જેલમાંથી બહાર આવશે.

સિસોદિયાને રૂ. બે લાખના જામીન બોન્ડ પર જામીન મંજૂર કરવામાં આવ્યા છે અને દરેક સોમવારે પોલીસ સ્ટેશનમાં હાજરી આપવા જણાવ્યું છે. દિલ્હીના પૂર્વ ઉપ CM સિસોદિયાને એક્સાઈઝ પોલિસી કેસમાં 17 મહિના જેલમાં વિતાવ્યા બાદ જામીન મળી ગયા છે. સિસોદિયાને જામીન આપતાં કોર્ટે કહ્યું હતું કે જામીનના મામલે હાઈકોર્ટ અને ટ્રાયલ કોર્ટ સુરક્ષિત રમી રહ્યા છે. સજા તરીકે જામીન નકારી શકાય નહીં. હવે સમય આવી ગયો છે કે અદાલતો સમજે કે જામીન એ નિયમ છે અને જેલ એક અપવાદ છે.

સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે સિસોદિયાને લાંબા સમય સુધી જેલમાં રખાયા છે. કોઈ પણ પ્રકારની સજા વિના કોઈને આટલા લાંબા સમય સુધી જેલમાં રાખી ન શકાય. કોર્ટે કહ્યું હતું કે અમે સિસોદિયાને નીચલી કોર્ટ પછી હાઈકોર્ટ જવા કહ્યું હતું અને તેના પછી જ સુપ્રીમ કોર્ટમાં આવવા કહ્યું હતું. તેમણે બંને કોર્ટમાં અરજી દાખલ કરી હતી. તેના પછી તેમણે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી.

મનીષ સોસિદિયાની દિલ્હી લિકર પોલિસી 2021-22ની રચના અને અમલીકરણમાં ભ્રષ્ટાચાર કરવાના આરોપમાં 26મી ફેબ્રુઆરી 2023માં સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI)એ ધરપકડ કરી હતી.