નવી દિલ્હી- તપાસ એજન્સી CBIમાં ચાલી રહેલા ઘમાસાણમાં ફસાયેલી કેન્દ્ર સરકાર માટે હવે નવી મુસીબત રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા તરફથી ઊભી થઈ છે. RBIના વરિષ્ઠ અધિકારીઓએ કેન્દ્ર સરકાર પર રિઝર્વ બેન્કના કામકાજમાં દખલગીરી કરવાનો આરોપ લગાવ્યા છે.સરકાર જો આ પ્રકારની દખલગીરી બંધ નહીં કરે તો તેના પરિણામ ભોગવવા તૈયાર રહેવાની ચેતવણી પણ રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાના અધિકારીઓએ આપી છે. આ નિવેદન ઉપરાંત RBIના કર્મચારી યુનિયને એક પત્ર લખીને જણાવ્યું છે કે, સરકાર દ્વારા બેન્કની સ્વાયતતાને ખતરો પહોંચાડવામાં આવી રહ્યો છે.
બીજી તરફ કેન્દ્ર સરકાર અને રિઝર્વ બેન્કના ગવર્નર વચ્ચેના મતભેદો બહાર આવી રહ્યાં છે. અધિકારીઓએ જણાવ્યું કે, આ પ્રકારના સમાચારોથી રોકાણકારોમાં દેશની છબી ખરાબ થઈ શકે છે. મળતી માહિતી મુજબ RBI ગવર્નર ઉર્જિત પટેલે કેન્દ્ર સરકારની કઠપૂતળી બનવાનો સ્પષ્ટ ઈનકાર કરીને સરકારને બેન્કના કામકાજમાં કોઈ પ્રકારની દખલગીરી નહીં કરવા જણાવ્યું છે.
ઉલ્લેખનીય છે કે, આ વર્ષે લગભગ અડધો ડઝન નીતિગત બાબતો પર RBI અને કેન્દ્ર સરકાર વચ્ચેના મતભેદો સપાટીએ આવ્યા હતા. RBI મોંઘવારી દરને ધ્યાનમાં રાખીને વ્યાજદરમાં ઘટાડો કરવા તૈયાર નહીં હોવાથી કેન્દ્ર સરકાર ભારે નારાજ છે.