માલેગાંવ બોમ્બ ધડાકા કેસઃ સાધ્વી પ્રજ્ઞા, પુરોહિત સહિત 7 સામેના આરોપ કોર્ટે નિશ્ચિત કર્યા

મુંબઈ – 2008માં મહારાષ્ટ્રના માલેગાંવમાં થયેલા બોમ્બ વિસ્ફોટના કેસમાં તમામ સાત આરોપીઓ સામે ત્રાસવાદી ષડયંત્ર ઘડવા, હત્યા તથા અન્ય ગુનાઓ માટે મૂકવામાં આવેલા આરોપને નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA) ટ્રાયલ કોર્ટે આજે નિશ્ચિત કર્યા છે અને કેસમાં હવે પછીની સુનાવણી માટે બીજી નવેમ્બરની તારીખ નક્કી કરી છે.

આ સાત આરોપીઓમાં સાધ્વી પ્રજ્ઞા અને લેફ્ટેનન્ટ કર્નલ પ્રસાદ પુરોહિતનો પણ સમાવેશ થાય છે.

આરોપ નિશ્ચિત કરવાનું મુલતવી રાખવાની કર્નલ પુરોહિતની વિનંતીને કોર્ટે નકારી કાઢી હતી.

કોર્ટે આરોપ માન્ય રાખ્યા બાદ તરત જ તમામ સાત આરોપીઓએ પોતે નિર્દોષ હોવાનું કોર્ટને જણાવ્યું હતું.

ટ્રાયલ કોર્ટને આરોપ ઘડતા રોકવાની દાદ ચાહતી એક પીટિશનને મુંબઈ હાઈકોર્ટે સોમવારે નકારી કાઢી હતી.

ઉલ્લેખનીય છે કે, 2008ની 29 સપ્ટેંબરે માલેગાંવની એક મસ્જિદ નજીક થયેલા એક મોટરસાઈકલ બોમ્બ વિસ્ફોટમાં છ જણ માર્યા ગયા હતા અને બીજાં 100થી વધુ લોકો ઘાયલ થયા હતા.

આ કેસમાં સાધ્વી પ્રજ્ઞાસિંહ ઠાકુર અને કર્નલ પુરોહિત ઉપરાંતના આરોપીઓ છેઃ મેજર (નિવૃત્ત) રમેશ ઉપાધ્યાય, સમીર કુલકર્ણી, અજય રાહીરકર, સુધાકર દ્વિવેદી અને સુધાકર ચતુર્વેદી.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]