બિહારના આ નેતાને SC તરફથી રાહત નહીં, આજીવન કેદની સજા યથાવત

નવી દિલ્હી- બિહારના બાહુબલી નેતા મોહમ્મદ શાહબુદ્દિનને સુપ્રીમ કોર્ટ તરફથી રાહત નથી મળી. સિવાનમાં બે ભાઈઓની હત્યાના કેસમાં મોહમ્મદ શાહબુદ્દિનની આજીવન કેદની સજાને સુપ્રીમ કોર્ટે યથાવત રાખી છે.સુપ્રીમ કોર્ટે આ મામલામાં પટના હાઈકોર્ટના ચૂકાદાને યથાવત રાખ્યો છે. અને હાઈકોર્ટના ચૂકાદા વિરુદ્ધ મોહમ્મદ શાહબુદ્દીને કરેલી અરજીને નકારી કાઢી છે. સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા રંજન ગોગોઈની બેન્ચે શાહબુદ્દીનના વકીલને ઘણા પ્રશ્નો પૂછ્યા, પરંતુ તેના જવાબ મળ્યા નહતા.

જસ્ટિસ ગોગોઈએ પૂછ્યું કે, આ ડબલ મર્ડરના સાક્ષી એવા ત્રીજા ભાઈ રાજીવ રોશનની કોર્ટમાં ગવાહી આપવા જતા સમયે હત્યા કેમ કરવામાં આવી?  આ હુમલા પાછળ કોણ હતા? સુપ્રીમ કોર્ટે કહ્યું કે, તે હાઈકોર્ટના નિર્ણયમાં દખલ કરશે નહીં. આ અપીલમાં કોઈ કાનૂની તથ્ય નથી.

આપને જણાવી દઈએ કે, ઓગસ્ટ 2004માં સિવાનમાં  સતીશ અને ગિરિશ રોશનની એસિડ એટેકથી હત્યા કરવામાં આવી હતી. આ ડબલ મર્ડર કેસમાં 9 ડિસેમ્બર 2015ના રોજ નીચલી અદાલતે શાહબુદ્દીન અને અન્યને આજીવન કેદની સજા ફટકારી હતી.