નવી દિલ્હી: લોકડાઉન વચ્ચે જો કંઈ સુંદર છે તો એ છે આકાશ, એમાં ચમકતા તારા અને ચંદ્ર, સ્વચ્છ હવા અને પક્ષીઓનો કલરવ. આ સમયે આપણે બધા આપણા ઘરમાં બંધ છીએ પણ કેટલીક એવી વસ્તુઓ છે જે આપણે યાદ અપાવે છે કે હજુ પણ ઘણુ બધુ આ પૃથ્વી પર સુરક્ષિત છે. મંગળવારની રાતે આકાશમાં સુપરમૂન એટલે વર્ષનો સૌથી મોટો ચંદ્ર જોવા મળ્યો. વર્ષમાં એક દિવસ ચંદ્ર પૃથ્વીની સૌથી નજીક હોય છે.
સાહિત્યમાં ચંદ્રને સુંદરતાનો પ્રતિક ગણવામાં આવે છે. સુપરમૂનના દિવસે ચંદ્ર પૃથ્વીની નજીક આવતાં ધરતી પરથી તેનો અદ્ભૂત નજારો જોવા મળે છે. પ્રકૃતિ પ્રેમીઓ કે સાહિત્યમાં રૂચિ ધરાવતા લોકો સામાન્ય દિવસોએ પણ ચંદ્રને નિહાળતા હોય છે તો પછી સુપરમૂનના દિવસે જોવાનું કેમ ચૂકી શકાય. 7 એપ્રિલે અડધી રાત્રે દુનિયાભરમાં સુપરમૂનનો અવિસ્મરણીય નજારો જોવા મળ્યો હતો. જેને પિંક સુપરમૂન પણ કહેવામાં આવે છે.
જ્યારે ચંદ્ર ધરતીની એકદમ નજીક આવે ત્યારે છે ત્યારે તે વધુ ચમકદાર બની જાય છે. ચંદ્ર આ દિવસે સામાન્ય દિવસ કરતા 14 ટકા મોટો અને 30 ટકા વધુ ચમકદાર જોવા મળે છે. પિંક સુપરમૂન માત્ર એક નામ છે જેની પાછળ કોઈ વૈજ્ઞાનિક કારણ નથી. સોશિયલ મીડિયા પર પણ લોકોએ સુપરમૂનની તસવીરો શેર કરી હતી.
અમે અહીં આપને વિશ્વના અલગ અલગ સ્થળેથી પાળેલી કેટલીક તસવીરો બતાવી રહ્યા છીએ જેને જોઈને તમે પણ કહેશો વાહ!