નવી દિલ્હી- સંસદમાં સરકાર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ દરમિયાન કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ગળે મળ્યા હતા. જેને લઈને દેશભરમાંથી વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ આવવાની શરુઆત થઈ હતી.કોઈએ આમ કરવા અંગે રાહુલ ગાંધીની પ્રશંસા કરી હતી. તો કોઈએ કહ્યું કે, રાહુલ ગાંધીએ સંસદના નિયમોનું ઉલ્લંઘન કર્યું છે. જોકે રાહુલ ગાંધીના આ વલણ અંગે ભારતીય જનતા પાર્ટીના ‘ફાયર બ્રાંડ’ સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તબીબી તપાસ કરવાની સલાહ આપી છે. સુબ્રમણ્યમ સ્વામીએ રાહુલ ગાંધીનું નામ લીધા વગર ટ્વીટ કર્યું અને પીએમ મોદીને તબીબી તપાસ કરાવવાની સલાહ આપી હતી.સ્વામીએ લખ્યું કે, ‘નમોએ બુદ્ધુને ગળે મળવાની પરવાનગી આપવી જોઈએ નહીં. રશિયા અને નોર્થ કોરિયામાં ગળે મળવાની આ પ્રકારની પદ્ધતિનો ઉપયોગ જેરવાળી સોઈથી શરીરમાં નુકસાન પહોંચાડવા માટે કરવામાં આવે છે. સુબ્રમણ્યમ સ્વામીએ આગળ લખ્યું કે, ‘મને લાગે છે કે, નમોએ તાત્કાલિક તબીબી તપાસ માટે જવું જોઈએ અને જોવું જોઈએ કે, સુનંદા પુષ્કરના હાથની જેમ તેમના શરીરમાં કોઈ સૂક્ષ્મ પંચર તો નથી ને’?
આપને જણાવી દઈએ કે, સુનંદા પુષ્કરના અપમૃત્યુના કેસમાં સુબ્રમણ્યમ સ્વામી કોંગ્રેસના સાંસદ અને સુનંદા પુષ્કરના પતિ શશી થરુર પર સીધી રીતે આરોપ લગાવતા રહ્યાં છે. ભાજપના સાંસદે આ અંગે SIT તપાસ કરાવવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી પણ દાખલ કરી હતી.