નવી દિલ્હી – આધાર કાર્ડના ઉપયોગ ઉપર સુપ્રીમ કોર્ટે અનેક નિયંત્રણો લાદ્યા છે ત્યારે બાયોમેટ્રિક કાર્ડ ઈસ્યૂ કરનાર એજન્સી યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI)એ આજે ટેલિકોમ કંપનીઓને જણાવ્યું છે કે ગ્રાહકોની પ્રમાણભૂતતા માટે 12-નંબરના યુનિક આઈડી નંબરનો ઉપયોગ કરવાની તમે જે યોજના ઘડી હોય એ 15-દિવસમાં સુપરત કરો.
આ વિશેનો એક સર્ક્યૂલર ભારતી એરટેલ, રિલાયન્સ જિયો, વોડાફોન આઈડિયા તથા અન્ય ટેલિકોમ સર્વિસ પ્રોવાઈડર્સને ઈસ્યૂ કરવામાં આવ્યો છે.
તમામ ટેલિકોમ કંપનીઓને જણાવાયું છે કે ગ્રાહકોની પ્રમાણભૂતતા પદ્ધતિ પર આધારિત આધારના ઉપયોગને બંધ કરવા માટેની એક્ઝિટ પ્લાન કે એક્શન પ્લાન 15 ઓક્ટોબર, 2018 સુધીમાં UIDAI મોકલી આપે.
ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટે ગયા અઠવાડિયે આધાર કાયદાની 57મી કલમ રદ કરી હતી. તે કલમ અનુસાર ખાનગી કંપનીઓને 12-આંકડાવાળા બાયોમેટ્રિક આઈડી-બેઝ્ડ eKYCનો ઉપયોગ કરવાની પરવાનગી આપવામાં આવી હતી.
સુપ્રીમ કોર્ટના ચુકાદાને પગલે ટેલિકોમ ઓપરેટર્સ જેવી ખાનગી કંપનીઓ આધાર eKYC રૂટનો ઉપયોગ કરી નહીં શકે.
આનો મતલબ એ થાય કે ઉદ્યોગ સેક્ટરે જૂના, પેપર-બેઝ્ડ વિકલ્પ પર પરત ફરવું પડશે. જેમ કે, ગ્રાહક પાસેથી એની સહી, ફોટોગ્રાફ સાથેનું ફોર્મ પાછું મેળવવાનું રહેશે. આ રૂટમાં 24-36 કલાક નીકળી જતા હોય છે.