રામ અને શિવભક્તિ બાદ હવે દુર્ગાના શરણમાં રાહુલ ગાંધી!

નવી દિલ્હી- પહેલાં રામભક્તિ, પછી શિવભક્તિ કર્યાં બાદ હવે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી મા દુર્ગાની પૂજા કરશે. મળતી માહિતી મુજબ પાર્ટીના પશ્ચિમ બંગાળના નેતાઓ સાથે થયેલી રાહુલ ગાંધીની હાલની બેઠકમાં આ પ્રકારનો પ્રસ્તાવ આપવામાં આવ્યો હતો જેને રાહુલ ગાંધીએ સ્વીકારી લીધો છે.આગામી લોકસભાની ચૂંટણી પહેલાં રાહુલ ગાંધી બહુસંખ્યક મતદારોને આકર્ષવા શક્ય તમામ પ્રયાસો કરી રહ્યાં છે. હવે કોંગ્રેસ પાર્ટી તરફથી મળતી માહિતી મુજબ રાહુલ ગાંધી આગામી 17 ઓક્ટોબરે કોલકાતાના એક પંડાલમાં દેવી દુર્ગાના દર્શન કરશે.

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી હાલના દિવસોમાં ચૂંટણીલક્ષી પ્રવાસની સાથે-સાથે ધાર્મિક યાત્રા પણ કરી રહ્યાં છે. વર્ષ 2014ની લોકસભાની ચૂંટણીમાં થયેલા કારમા પરાજયે કોંગ્રેસ પાર્ટીને સોફ્ટ હિન્દુત્વ તરફ વળવાની ફરજ પાડી હતી, એટલું જ નહીં હવે પાર્ટી હિન્દુત્વના એજન્ડા તરફ આગળ વધી રહી છે.

રાહુલ ગાંધી એ વાત જાણી ગયા છે કે, બહુસંખ્યક હિન્દુ સમુદાયના સમર્થન વગર 2019માં તેમની નૈયા પાર થવી શક્ય નથી. જેથી રાહુલ ગાંધીએ ગુજરાત ચૂંટણીથી તેની તૈયારી શરુ કરી દીધી છે. ગુજરાતમાં રાહુલ ગંધીએ ડઝનેક મંદિરોમાં દર્શન કર્યા, એટલું જ નહીં પૂજા પંડાલોમાં હાજરી પણ આપી હતી.

કર્ણાટક ચૂંટણીમાં પણ રાહુલ ગાંધીની મંદિર યાત્રા યથાવત રહી હતી. હવે રાહુલ ગાંધી રામ અને શિવભક્તિ બાદ માં દુર્ગાની શરણમાં જવા તૈયાર છે. 17 ઓક્ટોબરના રોજ રાહુલ ગાંધી કોલકાતામાં એક પંડાલમાં વિધિવત રીતે પૂજા કરશે. કોંગ્રેસ નેતા પવન ખેડાએ કહ્યું કે, ‘ભગવાન દરેકના છે. અને રાહુલ ગાંધી એજ કરી રહ્યા છે, જે નહેરુ-ગાંધી પરિવાર પહેલેથી કરતો આવ્યો છે’.

ઉલ્લેખનીય છે કે, ભારતીય જનતા પર્ટીના હિન્દુત્વના એજન્ડાના મુકાબલે કોંગ્રેસ સતત અલ્પસંખ્યકોની વિચારધારાની પાર્ટી જણાઈ રહી હતી. હવે રાહુલ ગાંધી પાર્ટીના માથા ઉપર લાગેલો આ ડાઘ ધોવા માટે મંદિર-મંદિર પૂજા કરી રહ્યાં છે.

ગુજરાત અને કર્ણાટકની ચૂંટણીઓમાં મળેલી સફળતા બાદ ઉત્સાહિત થયેલા રાહુલ ગાંધીએ હવે આગામી ચાર રાજ્યોની વિધાનસભા ચૂંટણી અને ત્યારબાદ યોજાનારી લોકસભાની ચૂંટણી ધર્મના આધારે લડવાનું મન બનાવી લીધું હોય તેમ લાગી રહ્યું છે.