PNB કૌભાંડ: નીરવ મોદીની 5 દેશોમાં 657 કરોડની સંપત્તિ જપ્ત

નવી દિલ્હી- બહુચર્ચિત PNB કૌભાંડના મુખ્ય આરોપી નીરવ મોદી સામે ભારતીય એજન્સીઓએ મોટી કાર્યવાહી કરી છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે (ED) નીરવ મોદીની આશરે 657 કરોડ રુપિયાની સંપત્તિ જપ્ત કરી છે. જેમાં જ્વેલરી, બેન્ક એકાઉન્ટ સહિત અન્ય સંપત્તિ શામેલ છે.નીરવ મોદી વિરુદ્ધ આ કાર્યવાહી ભારત સહિત કુલ પાંચ દેશોમાં કરવામાં આવી છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા નીરવ મોદીની જે વસ્તુઓ જપ્ત કરવામાં આવી છે, તેમાં આશરે 22.69 કરોડ રુપિયાની જ્વેલરીનો પણ સમાવેશ થાય છે. આ બધી વસ્તુઓ હોંગકોંગથી જપ્ત કરવામાં આવી છે.

આ ઉપરાંત દક્ષિણ મુંબઈમાં 19.5 કરોડ રુપિયાની કિંમતનો નીરવ મોદીનો ફ્લેટ પણ સીઝ કરવામાં આવ્યો છે. આ ફ્લેટ પૂર્વી મોદીના નામથી રજીસ્ટર્ડ કરવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ આ ફ્લેટ વર્ષ 2017માં ખરીદવામાં આવ્યો હતો.

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે સિંગાપુરમાં 44 કરોડ રુપિયાની કિંમતનું બેન્ક ખાતું પણ જપ્ત કર્યું છે. આ કંપની બ્રિટિશ વર્ઝન આઈસલેન્ડ નામથી નોંધાયેલી છે. જેમાં પૂર્વી મોદી અને મયંક મહેતાનું નામ શામેલ છે. આ ઉપરાંત નીરવ મોદી અને પૂર્વી મોદીના નામથી પાંચ અન્ય બેન્ક એકાઉન્ટ સીઝ કરવામાં આવ્યા છે. જેમાં આશરે 278 કરોડ રુપિયાની સંપત્તિ છે. આ સિવાય પણ EDએ અનેક દેશોમાં નીરવ મોદીની સંપત્તિ જપ્ત કરી છે.