કોટામાં વિદ્યાર્થિનીનો આપઘાતઃ આ વર્ષે 25 વિદ્યાર્થીઓએ કરી આત્મહત્યા

કોટાઃ રાજસ્થાનના કોટાથી ફરી એક વાર દુખદ સમાચાર આવ્યા છે. કોટામાં નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ (NEET)ની તૈયારી કરી રહેલી એક 16 વર્ષીય વિદ્રાથિનીએ ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી છે. આ વર્ષે માત્ર આઠ મહિનામાં રાજસ્થાનના કોચિંગ હબ કોટામાં 25 વિદ્યાર્થીઓએ ફાંસી લગાવીને આત્મહત્યા કરી ચૂક્યા છે. રાંચીની રહેવાસી વિદ્યાર્થિની શહેરની બ્લેઝ હોસ્ટેલમાં રહેતી હતી. પ્રાપ્ત માહિતી મુજબ વિદ્યાર્થિની પાંચ મહિના પહેલાં ઝારખંડથી NEETની તૈયારી કરવા માટે કોટા આવી હતી.

JEE અને NEET જેવી પરીક્ષાઓમાં પાસ થવાની આશાએ આશરે બે લાખ વિદ્યાર્થીઓ પ્રતિ વર્ષ કોટા આવે છે.આ વર્ષે અધિકારીએ જિલ્લામાં આ પરીક્ષામાં દબાણ સંબંધિત 25 વિદ્યાર્થીઓની આત્મહત્યાની સૂચના આપી હતી, જે કોઈ પણ વર્ષમાં સૌથી વધુ છે.

રાજસ્થાન પોલીસના ડેટા અનુસાર વિદ્યાર્થીઓના આપઘાતના આ આંકડા મુજબ 2022માં 15, 2019માં 19, 2018 20, 2017માં સાત, 2016માં 17 અને 2015માં 18 હતા. કોચિંગ સંસ્થાઓમાં કોટામાં 2020 અને 2021માં કોઈ પણ વિદ્યાર્થીએ આત્મહત્યા કરવાની માહિતી નથી મળી, કેમ કે કોવિડ રોગચાળાને કારણે બધા ક્લાસિસ બંધ હતા.

કોટામાં આત્મહત્યા પછી જિલ્લા વહીવટી તંત્રએ એક આદેશ જારી કર્યો હતો, જેમાં બધી હોસ્ટેલના રૂમોમાં  અને પેઇંગ ગેસ્ટમાં સ્પ્રિંગ-લોડેડ પંખા લગાવવા ફરજિયાત કરવામાં આવ્યા હતા. જિલ્લા કલેક્ટર ઓમ પ્રકાશ બુનકર દ્વારા જારી આદેશનો ઉદ્દેશ આ હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીને માનસિક સહાયતા અને સુરક્ષા પ્રદાન કરવાનો હતો અને કોચિંગ વિદ્યાર્થીઓની વધતી આત્મહત્યાઓને અટકાવાનો હતો.