મ્યાનમાર-ભારત સરહદે 6.0નો-ભૂકંપ; કોલકાતા, ગુવાહાટી પણ ધ્રૂજ્યા

કોલકાતાઃ મ્યાનમાર-ભારત સરહદ પરના વિસ્તારોમાં સ્થાનિક સમય મુજબ આજે વહેલી સવારે 6.15 વાગ્યે 6.0ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. યૂરો-મેડિટરેનિયન સિસ્મોલોજિકલ સેન્ટરના જણાવ્યા મુજબ, આ ભૂકંપ મ્યાનમારના ચિન રાજ્યના થાનલાંગ નગરથી ઈશાન ખૂણે 8 કિ.મી. દૂરના સ્થળે આવ્યો હતો. આ સ્થળ બાંગ્લાદેશના ચિત્તાગોંગ શહેરની પૂર્વ બાજુએ 174 કિ.મી. દૂર આવેલું છે. ભૂૂકંપના આંચકાનો અનુભવ છેક ભારતમાં પશ્ચિમ બંગાળ (કોલકાતા), ત્રિપુરા અને આસામ (ગુવાહાટી) રાજ્યોમાં પણ થયો હતો.

ભૂકંપ ધરતીની સપાટીથી 30 કિ.મી. (18.64 માઈલ) ઊંડે આવ્યો હતો. આ સ્થળ ઈશાન ભારતના મણિપુર રાજ્યના પાટનગર ઐઝવાલના અગ્નિ ખૂણે 126 કિ.મી. દૂર આવેલું છે. ભૂકંપની કેટલીક મિનિટો બાદ બીજો ભૂકંપ પણ આવ્યો હતો.