શરાબની હોમ ડિલિવરી વિશે રાજ્યો વિચારેઃ સુપ્રીમ કોર્ટ

નવી દિલ્હીઃ દેશભરમાં કોરોના વાઈરસ-લોકડાઉન દરમિયાન છૂટછાટોને પગલે દારૂની દુકાનો પર ઊમટેલી ભીડને મામલે સીધો આદેશ આપવાનો સુપ્રીમ કોર્ટે ઈનકાર કર્યો છે, પણ રાજ્ય સરકારોને કહ્યું છે કે એમણે શરાબનું સીધું વેચાણ કરવાની પરવાનગી આપવાને બદલે હોમ ડિલિવરી અથવા અન્ય વિકલ્પો પર વિચાર કરવો જોઈએ. દિલ્હીમાં દારૂની દુકાનો પર રોજ ઊમટતી ભીડને લઈને સુપ્રીમ કોર્ટમાં એક અરજી કરવામાં આવી હતી, જેના પરની સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે અરજદાર માટે કોઈ આદેશ આપવાનો ઈનકાર કર્યો હતો.

સોશિયલ ડિસ્ટન્સિંગની ઐસીતૈસી

ગુરુસ્વામી નટરાજ નામના અરજદારની અરજીમાં કેન્દ્ર સરકારને એ જાહેરનામા પર પડકાર ફેંકવામાં આવ્યો હતો, જેમાં દુકાનો ખોલવા માટે મંજૂરી આપવામાં આવ્યો હતો. અરજદારના વકીલ સાંઈ દીપકનું કહેવું હતું કે દારૂની દુકાનો પર જે રીતે ભીડ ઊમટી પડે છે એ બહુ ખતરનાક છે. અહીં સોશિયલ ડિસ્ટન્સિંગનું જરા પણ પાલન કરાતું નથી.

દારૂની દુકાનો આ રીતે ના ખોલવી જોઈએ

અરજદારના વકીલે વધુમાં કહ્યું હતું કે સરકારનું નોટિફિકેશન જ ખોટું છે. દારૂની દુકાનો આ રીતે ન ખોલવી જોઈએ. એમની દલીલ પર ત્રણ-જજની ખંડપીઠના જસ્ટિસ સંજય કિશન કૌલે કહ્યું કે દારૂની હોમ ડિલિવરી જેવા ઉપાયો પર પહેલેથી ચર્ચા થઈ રહી છે. અમે અનુચ્છેદ 32 હેઠળ દાખલ થયેલી એક જનહિત અરજી પર શું આદેશ આપી શકીએ?

વકીલની દલીલ

વકીલે શરાબના સીધા વેચાણને બદલે અન્ય વિકલ્પો અપનાવવા પર ભાર આપતાં કહ્યું હતું કે અમે માત્ર એટલું ઇચ્છીએ છીએ કે દારૂની દુકાનો ખોલવાથી જે પડાપડી થાય છે, એનાથી સામાન્ય વ્યક્તિના આરોગ્ય અને જીવન પર જોખમ ઊભું થાય. એટલા માટે કોર્ટ ગૃહ મંત્રાલય અથવા નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીને આદેશ આપે કે એ દારૂના વેચાણ માટે સ્પષ્ટીકરણ જારી કરે. રાજ્યો તે સ્પષ્ટીકરણ મુજબ ચાલે, કમસે કમ જ્યાં સુધી લોકડાઉન છે ત્યાં સુધી દારૂની દુકાનો ખોલવામાં ન આવે.

કોર્ટે શું કહ્યું

બેન્ચની અધ્યક્ષતા કરી રહેલા જસ્ટિસ અશોક ભૂષણે સુનાવણીને અંતે કહ્યું હતું કે અમે આ મામલે સીધો કોઈ આદેશ નહીં આપીએ, પણ રાજ્ય સરકારોએ અરજીમાં કહેલી વાતો પર વિચાર કરવો જોઈએ.