નવી દિલ્હીઃ લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ TMCમાંથી બળવો કરીને NCPIમાં વિલય કરનારા 20 સાંસદોને નોટિસ મોકલી છે અને તેમની પાસેથી આ મામલે સાત દિવસની અંદર વિગતવાર જવાબ માગ્યો છે. સ્પીકરે આ પગલું અભિષેક બેનર્જીની માગ બાદ ભર્યું છે. અભિષેક બેનર્જીએ આ બળવાખોર સાંસદોને બરતરફ કરવાની માગ કરી હતી. આ સાંસદોમાં યુસુફ પઠાણથી લઈને સાયોની ઘોષ સુધીનાં નામ સામેલ છે.

લોકસભા સ્પીકર ઓમ બિરલાની કચેરી તરફથી જણાવવામાં આવ્યું છે કે નોટિસ મળ્યાના સાત દિવસની અંદર તમામ 20 સાંસદોએ જવાબ આપવો પડશે. નોંધનીય છે કે બળવાખોર સાંસદોના મુદ્દે TMC નેતા અને ડાયમંડ હાર્બરના લોકસભા સાંસદ અભિષેક બેનર્જી સુપ્રીમ કોર્ટનાં દ્વાર પણ ખટખટાવ્યાં છે.
સમયસર નિર્ણય ન લેવાતો હોવાનો મુદ્દો ઉઠાવ્યો
અભિષેક બેનર્જીએ સુપ્રીમ કોર્ટમાં બળવાખોર સાંસદોને લઈને દાખલ કરેલી અરજીમાં કહ્યું હતું કે લોકસભા સ્પીકર પાસે સાંસદોની ગેરલાયકાત અંગેની અરજીઓ પર સમયસર નિર્ણય લેવામાં આવી રહ્યો નથી. આ જ મામલે સુપ્રીમ કોર્ટે તમામ 20 સાંસદોને પણ નોટિસ પાઠવી હતી. હવે આ મામલે લોકસભા સ્પીકર પણ સક્રિય થયા છે.\

કયા સાંસદોને નોટિસ આપવામાં આવી?
TMCના બળવાખોર સાંસદોમાં કાકોલી ઘોષ દસ્તીદાર, જગદીશ ચંદ્ર બર્મા બસુનિયા, ખલીલુર રહેમાન, યુસુફ પઠાણ, અબુ તાહેર ખાન, પાર્થ ભૌમિક, બાપી હલદાર, સાયોની ઘોષ, માલા રોય, મિતાલી બાગ, દીપક અધિકારી (દેવ), કાલીપદ સોરેન, જૂન માલિયા, અરૂપ ચક્રવર્તી, શર્મિલા સરકાર, અસિત કુમાર મલ, શતાબ્દી રોય, રચના બેનર્જી અને પ્રસૂન બેનર્જીનાં નામ સામેલ છે.
શું છે બળવાનો મામલો?
પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી 2026માં હાર બાદ TMCના લોકસભા સાંસદોમાં મોટી ફૂટ પડી હતી. પાર્ટીના બે તૃતીયાંશ સાંસદો કાકોલી ઘોષ દસ્તીદારના નેતૃત્વમાં બળવાખોર બની ગયા હતા. ત્યાર બાદ તેમણે ત્રિપુરાની પ્રાદેશિક પાર્ટી NCPIમાં પોતાના જૂથનું વિલય કરીને કેન્દ્રમાં NDA સરકારને સમર્થન આપવાની જાહેરાત કરી હતી.




