નવી દિલ્હી: દિલ્હી વિધાનસભામાં શરમજનક પ્રદર્શન પછી કોંગ્રેસ પાર્ટીના વચ્ચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીએ પાર્ટીના પ્રદર્શનને લઈને નેતાઓ સાથે મુલાકાત કરવાનો કાર્યક્રમ બનાવ્યો છે. આ ક્રમમાં ચાંદની ચોકથી પૂર્વ ધારાસભ્ય અલકા લાંબાએ સોનિયા ગાંધી સાથે મુલાકાત કરી દિલ્હીમાં ખરાબ પ્રદર્શનનું કારણ જણાવ્યું છે. પાર્ટીએ દિલ્હીં 2003થી લઈને 2013 સુધી શાસન કર્યું હતું. અલકા લાંબાએ કહ્યું કે, તે તેમના વિધાનસભા ક્ષેત્રના લોકો સાથે મુલાકાત કરશે અને સમર્થન આપવા બદલ લોકોનો આભાર માનશે.
અલકા લાંબાએ આમ આદમી પાર્ટીનો સાથે છોડીને કોંગ્રેસનો હાથ પકડયો હતો પણ તે 2020 વિધાનસભા ચૂંટણીમાં પોતાની ડિપોઝીટ પણ પાછી મેળવી શકી ન હતી. કોંગ્રેસ નેતાઓએ દિલ્હીમાં પાર્ટીના ખરાબ પ્રદર્શનનું ઠિકરું દિલ્હી પ્રભારી પીસી ચાકો પર ફોડ્યું છે. બીજી તરફ ચાકોએ કહ્યું કે, કોંગ્રેસનું ખરાબ પ્રદર્શન 2013થી જ શરુ થઈ ગયું હતું. તેમના આ નિવેદન પછી દિલ્હી કોંગ્રેસમાં વધુ એક આંતરીક વિવાદ શરુ થઈ ગયો છે.
તો દિલ્હી વિધાનસભામાં મળેલી હાર પછી પાર્ટીમાં ઉથલ-પાથલનો માહોલ અને નિવેદનનો દોર શરુ છે. કોંગ્રેસ નેતા અને પૂર્વ કેન્દ્રીયમંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું કે, પાર્ટીએ વિચારધારા બદલવાની જરૂર છે. સિંધિયાએ એમ પણ કહ્યું કે, પાર્ટીમાટે આ પરિણામો અત્યંત નિરાશાજનક છે. એક નવી વિચારધારા અને નવી કાર્યપ્રણાલીની તાત્કાલિક જરૂર છે. દેશ બદલાઈ ગયો છે, એટલા માટે આપણે દેશના લોકોની સાથે જોડાવા માટે વિચારધારા બદલવી પડશે. તો બીજી તરફ પૂર્વ કેન્દ્રીય મંત્રી જયરામ રમેશે પણ પાર્ટીમાં મોટા ફેરફારની જરૂર હોવાની વાત કહી છે. જયરામ રમેશે કહ્યું કે, પાર્ટીની મજબૂત કરવાની જરૂર છે. સત્તા ગૂમાવ્યાના છ વર્ષ પછી પણ આપણામાંથી કેટલાક એવો વ્યવહાર કરે કે જાણે એ હજી પણ મંત્રી હોય.