નવી દિલ્હીઃ ડીએચએફએલ કેસમાં લેણદાર બૅન્કો 40,000 કરોડ રૂપિયાની વસૂલી માટે આગ્રહ રાખવાને બદલે ફક્ત એક રૂપિયો મળવાથી સંતોષ માની લેવા તૈયાર હોવાની આશ્ચર્યકારક ઘટના બની છે.
નૅશનલ કંપની લૉ ઍપેલેટ ટ્રિબ્યુનલે (એનક્લેટ) ડીએચએફએલ હસ્તગત કરવા માટેના પિરામલ ગ્રુપના રિઝોલ્યુશન પ્લાન અંગે પુનઃ વિચારણા કરવાનો કમિટી ઑફ ક્રેડિટર્સને આદેશ આપ્યો છે ત્યારે આ કમિટીના સભ્યો એનક્લેટના નિર્દેશનો વિરોધ કરવા છેક સર્વોચ્ચ અદાલત સુધી પહોંચ્યા છે.
યુનિયન બૅન્ક ઑફ ઇન્ડિયા, સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયા, બૅન્ક ઑફ ઇન્ડિયા, કૅનેરા બૅન્ક, પંજાબ નૅશનલ બૅન્ક અને સેન્ટ્રલ બૅન્ક સહિતના કમિટી ઑફ ક્રેડિટર્સે એનક્લેટના આદેશની સામે સર્વોપરી અદાલતમાં ધા નાખી છે. અદાલતે તેની સુનાવણી 21મી માર્ચે રાખી છે.
ડીએચએફએલના લેણદારોમાં સામેલ એક કંપનીએ કરેલી અપીલ સંબંધે એનક્લેટે ઉક્ત આદેશ આપ્યો હતો.
પિરામલ ગ્રુપ માટે મંજૂર થયેલા રિઝોલ્યુશન પ્લાનનો લેણદાર કંપનીએ વિરોધ કર્યો હતો. ડીએચએફએલના પ્રમોટરોએ આશરે 40,000 કરોડ રૂપિયાની ઉચાપત કરી હોવાનું મનાય છે. આ રકમ માટે પિરામલ ગ્રુપે ફક્ત એક રૂપિયાનું મૂલ્ય સ્વીકારવાનું નક્કી કર્યું હતું. એનક્લેટે આ રિઝોલ્યુશન પ્લાન સામેના વિરોધને સ્વીકારીને પ્લાનને ગેરકાનૂની ગણાવ્યો હતો તથા તેના વિશે પુનઃ વિચારણા કરવાનો આદેશ આપ્યો હતો.
જાણકારો કહે છે કે સરકારી બૅન્કો આવડી મોટી રકમ જવા દેવા કેમ તૈયાર થઈ છે એ સમજાતું નથી. કોઈ એક કંપનીએ અવાજ ઉઠાવ્યો અને એમને વધુ રિકવરી મળી શકે છે છતાં તેઓ કેમ એક રૂપિયો લેવા રાજી છે? પ્રચંડ મોટા પ્રમાણમાં એનપીએ ધરાવતી બૅન્કો માટે વધુ નાણાંની પ્રાપ્તિ આવકાર્ય હોવી જોઈએ એને બદલે એ બૅન્કોએ આઘાતજનક રીતે સર્વોચ્ચ અદાલતમાં ધા નાખી છે.